રાજ્યના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન બગદાણા (તા.મહુવા) ખાતે કાલે તા.૧૩ને બુધવારના રોજ ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવનાર છે. ત્યારે ગુરુ આશ્રમ બગદાણા ખાતે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. આવતીકાલે ગુરૂપૂર્ણિમા છે ત્યારે અસંખ્ય ભાવિકોનો પ્રવાહ આજે રાતથી જ બગદાણા તરફ વહેશે. બે વર્ષના અંતરાય બાદ ગુરૂપૂર્ણિમા પર્વે આ વર્ષે જાહેર કાર્યક્રમો થઇ રહ્યા છે આથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડવાની ધારણા છે અને તેને અનુલક્ષીને તમામ વ્યવસ્થાઓ કરાઇ છે.
ગત વર્ષના અષાઢી પૂનમ એટલે કે ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કોરોના કાળને હિસાબે થઈ શકી ન હતી. ત્યારે આ વર્ષે ગુરુપૂર્ણિમાની ઉજવણી થવાની હોય બાપાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં આ દિવસે ઉપસ્થિત રહેશે. રસોડા વિભાગ સહિત અલગ અલગ ૨૧ વિભાગોમાં આયોજનપૂર્વક કામગીરીની વહેંચણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ગુરુપૂર્ણિમાની ઉજવણીના આ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત થવાની ગણતરી સાથે રસોડા વિભાગમાં તમામ તૈયારીઓ થઈ રહી છે. મોટા માનવ સમુદાયની વ્યવસ્થાઓને પહોંચી વળવા માટે સ્વયંસેવક મંડળના ૮૭ ગામોના ૨૦૦૦ ભાઈઓ અને ૫૦૦ જેટલી મહિલાઓ સ્વયંસેવક તરીકે સેવા પૂરી પાડશે. ગુરુ આશ્રમની પરંપરા પ્રમાણે દરેકને ભોજન પ્રસાદ પંગતમાં બેસીને પીરસવામાં આવે છે. વ્યવસ્થા ખાતર ગોપાલ વાડીમાં ભાઈઓ અને સંતો તેમજ આશ્રમની નજીકના પરિસરમાં આવેલા રસોડા વિભાગમાં બહેનો ભોજન પ્રસાદ લેશે.
પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
અહીં પોલીસ વિભાગ દ્વારા મહિલા પોલીસ સહિત ૧૩૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧ પીઆઈ, ૫ પીએસઆઈ તેમજ ૯૦ હોમગાર્ડના જવાનોનો બંધોબસ્ત રહેશે. આકસ્મિક સંજાેગો માટે મહુવા નગરપાલિકા દ્વારા એક ફાયર ફાઈટર વાહન સ્ટેન્ડ બાય રહેશે. આ સિવાય એક ૧૦૮ સહિત ત્રણ મેડિકલ એમ્બ્યુલન્સ પણ રહેશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બેલમપર દ્વારા અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં પ્રાથમિક સારવાર તેમજ બાર વર્ષથી ઉપરનાને કોરોના રસીકરણ કેમ્પ પણ રહેશે. આશ્રમ પરિસરમાં અહીં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહામુલુ રક્તદાન કરવા અનુરોધ કરાયો છે.
એસ.ટી. દ્વારા વધારાની બસો દોડાવાશે
ગુજરાત રાજ્ય એસટી નિગમ ભાવનગર ડેપો દ્વારા પાલીતાણા, તળાજા, મહુવા સહિતના બસ ડેપો પરથી ખાસ બસો બગદાણા ધામે આ દિવસના દોડાવવામાં આવનાર છે. સરકારની કોરોના ગાઈડલાઈન મુજબ મોં પર માસ્ક બાંધવું તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું આશ્રમના વ્યવસ્થાપકો દ્વારા જણાવવામાં આવ્યું છે