દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું મતદાન પાટનગર નવી દિલ્હી તથા રાજયોની રાજધાનીઓ શરૂ થયું છે અને સંસદભવન ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રથમ મત નાંખ્યો હતો જયારે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના રાજયોના મુખ્યમંત્રીઓએ તેમના વિધાનસભા સંકુલમાં યોજાયેલ મતદાનમાં મત આપ્યા હતા. સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ તા.21ના રોજ મતગણતરી હાથ ધરાશે. નવા રાષ્ટ્રપતિ ચૂંટવા માટે સાંસદો અને રાજયોની વિધાનસભાના ધારાસભ્યો મતદાર છે
આજના મતદાન બાદ એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ચીત માનવામાં આવે છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુ દેશના પ્રથમ આદીવાસી મહિલા રાષ્ટ્રપતિ બનશે તથા આઝાદી બાદ જન્મનારા તેઓ સૌપ્રથમ રાષ્ટ્રપતિ હશે. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષની છાવણીમાં ગાબડા પાડવામાં શાસક ભાજપને સફળતા મળી છે અને તેથી હાલના સંકેતો મુજબ દ્રૌપદી મુર્મુને એનડીએના સાથીપક્ષો ઉપરાંત વિપક્ષ છાવણીમાંથી પણ મત મળી રહે છે અને દ્રૌપદી મુર્મુ કુલ મતદાનના 60%થી વધુ મતોએ વિજેતા બનશે.
બીજી તરફ વિપક્ષ તરીકેથી લડી રહેલા પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી યશવંત સિંહા એ તમામ સાંસદો અને ધારાસભ્યોને આત્મા ના અવાજ મુજબ મતદાન કરવા અપીલ કરી હતી. કુલ 1086431 મતોની રાષ્ટ્રપતિ ચૂંટણી ઈલેકટોરલ કોલેજ બનશે
આજે સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન બાદ તમામ રાજયોમાંથી મતપેટી દિલ્હી લાવવામાં આવશે તથા સાંસદ-ધારાસભ્યોના મતોની સંયુક્ત ગણતરી કરીને તા.21ના પરિણામ જાહેર થશે.
આજના મતદાન બાદ હવે તા.6 ઓગષ્ટના રોજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ તરફથી પશ્ચીમ બંગાળના રાજયપાલ જયદીપ ધનખેડે તથા વિપક્ષ દ્વારા પુર્વ કેન્દ્રીય મંત્રી માર્ગારેટ આલ્વાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે અને આ ચૂંટણીમાં લોકસભા અને રાજયસભાના સાંસદો મતદાન કરશે અને તેમાં પણ ભાજપના શ્રી જયદીપ ધનખેડેનો વિજય નિશ્ચીત છે.