સંગીતનો વધુ એક સૂર આથમ્યો છે. ગઝલ ગાયક ભૂપિંદર સિંહનું મુંબઈની ક્રિટી કેર હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ ઘણા સમયથી બીમાર હતા. તેમણે 82 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તેમની પત્ની મિતાલી સિંહે આ વાતની પુષ્ટિ કરી છે. ક્રિટી કેર હોસ્પિટલના ડો.દીપક નામજોશીએ જણાવ્યું હતું કે ભૂપિંદર સિંહને 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ભૂપિંદર સિંહ એક પ્રખ્યાત ભારતીય સંગીતકાર હતા અને મુખ્યત્વે ગઝલ ગાયક હતા. તેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ કર્યું છે. તેમણે કિશોર કુમાર અને મોહમ્મદ રફી સાથે કેટલાક લોકપ્રિય ગીતો ગાયા છે. ભૂપિંદર સિંહને ‘મૌસમ’, ‘સત્તે પે સત્તા’, ‘આહિસ્તા અહિસ્તા’, ‘દુરિયાં’, ‘હકીકત’ જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો માટે યાદ કરવામાં આવે છે.
ભૂપિંદરને બાળપણથી જ સંગીતનો શોખ હતો, ભૂપિંદરે પિતા પાસેથી ગિટાર વગાડવાનું શીખી લીધું હતું. તેમને બાળપણથી જ સંગીતનો શોખ હતો. તેમણે ઘરે પિતા પાસેથી સંગીતની શરૂઆતની યુક્તિઓ શીખી હતી, પરંતુ જેમ જેમ તેમની કુશળતા સારી થતી ગઈ તેમ તેમ તેમણે આ ક્ષેત્રમાં આગળ વધવાનું શરૂ કર્યું અને પછી દિલ્હી ચાલ્યા ગયા. ત્યાં તેમણે ઓલ ઇન્ડિયા રેડિયો માટે ગિટારવાદક અને ગાયક તરીકે કામ કર્યું હતું.