ઇંધણની કિંમતમાં વૈશ્વિક વધારાની અસરથી જળમાર્ગ પરિવહન ક્ષેત્રને થોડી ઝડપી રાહત આપવા માટે પોર્ટ્સ, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે તમામ મુખ્ય બંદરોને આગામી છ મહિના માટે રો-પેક્સ અથવા પેસેન્જર ફેરીમાં હાલમાં વસૂલવામાં આવતા તમામ બર્થ હાયરિંગ અને વેસલ સંબંધિત ચાર્જને મુક્તિ આપવાનો નિર્દેશ આપ્યો છે.
જળ પરિવહન સેક્ટરને મોટી રાહત
શિપિંગ મંત્રાલયે એવું જણાવ્યું કે રો-રો/રો-પેક્સ/ફેરી વોટરવે ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપી રહ્યું છે, જે પરિવહનના અન્ય માધ્યમોની તુલનામાં ઓછું ઉત્સર્જન ધરાવે છે. ઉપરાંત, પરંપરાગત પરિવહન માધ્યમોની તુલનામાં નોંધપાત્ર સમય અને ખર્ચમાં બચત થાય છે. સાથે સાથે માર્ગ / રેલ્વે પર ટ્રાફિકની ભીડ, ધ્વનિ પ્રદૂષણ અને રસ્તાઓ પરના અકસ્માતોમાં પણ ઘટાડો થઈ શકે છે. આ પ્રકારની જળ-આધારિત પરિવહન સેવા લોજિસ્ટિક્સ ખર્ચને ઘટાડવા, મુસાફરીના સમયમાં ઘટાડો કરવા અને કેટલાક શક્ય માર્ગો પર દરિયાકાંઠાના શિપિંગને પ્રોત્સાહન આપવા માટે એક અસરકારક પગલું છે.
શિપિંગ મિનિસ્ટરે નાણામંત્રી સીતારામણને લખ્યો હતો પત્ર
દરિયાઇ ઇંધણના ઊંચા ભાવ અને જીએસટીની ફેરી કામગીરી પર શું અસર પડશે તે અંગે ચર્ચા કરવા કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે તાજેતરમાં મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. સોનોવાલે નાણામંત્રી નિર્મલા સીતારમણ અને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીને પણ પત્ર લખીને આ મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો હતો અને તેમને વિનંતી કરી હતી કે તેઓ અનુક્રમે કરવેરા અને ઇંધણની કિંમતમાં ઘટાડો કરીને આ ક્ષેત્ર માટે પોતાનો ટેકો આપે. સોનોવાલે જણાવ્યું હતું કે અમે એમઓપીએનજીને ઇંધણના ભાવમાં ઘટાડા પર વિચાર કરવા અને નાણાં મંત્રાલયને તેના પરના સંબંધિત કરઘટાડવા માટે પણ વિનંતી કરી છે, જેથી વર્તમાન સંજોગોમાં આ ક્ષેત્રને જરૂરી ટેકો મળી શકે.
ઘોઘા અને હજીરા રો-પેક્સને મળશે મોટી રાહત
દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સાગરમાલા કાર્યક્રમ અંતર્ગત ઘોઘા અને હજીરા વચ્ચે અમલમાં મૂકવામાં આવેલી રો-પેક્સ સેવાઓએ પ્રવાસનો સમય 12 કલાકથી ઘટાડી દીધો છે. આ રો-પેક્સ ફેરી સર્વિસે શરૂઆતથી અત્યાર સુધીમાં 78,000થી વધુ વાહનો અને 2.6 લાખથી વધુ મુસાફરોનું વહન કર્યું છે. 6 મહિના સુધી પોર્ટ ચાર્જમાં મુક્તિ મળતા ઘોઘા અને હજીરાની રો-પેક્સ પેસેન્જર ફેરીને મોટી રાહત મળશે. ગુજરાતની જેમ મહારાષ્ટ્ર મેરિટાઇમ બોર્ડે મુંબઈ- માંડવા રૂટ પર રો-પેક્સ ફેરી સર્વિસ શરૂ કરી હતી. આ પ્રોજેક્ટના પરિણામે દરિયાઇ માર્ગ દ્વારા 45 મિનિટની સામે લગભગ 3 કલાકની માર્ગ મુસાફરીની બચત થઈ. આ રો-પેક્સ સેવાનો લાભ 5.5 લાખથી વધુ મુસાફરોએ લીધો છે અને 1 લાખથી વધુ વાહનોનું પરિવહન કરવામાં આવ્યું છે.