બોટાદના બરવાળા લઠ્ઠાકાંડે અનેક પરિવારો બરબાદ કરી દીધા છે. કારણ કે આ ઝેરી દારૂએ કોઇના પતિ છીનવી લીધા, તો કોઇનો દીકરો છીનવી લીધો તો કોઇનો પુત્ર છીનવી લીધો. અનેક પરિવાર પર આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઘટનામાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં કુલ 39 લોકોના મૃત્યુ થયા છે.
ભાવનગર સિવિલમાં કુલ 88 દર્દીઓને સારવાર માટે લવાયા હતા. જેમાંથી હાલમાં 72 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 2 દર્દીઓની હાલત ગંભીર છે. તો બીજી બાજુ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 15 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 15 આરોપીઓની ધરપકડ કરાઈ છે. ધરપકડ કરવામાં આવેલ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. આ ઘટનામાં ધંધુકા, બરવાળા અને રાણપુરમાં મળીને 3 પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. બરવાળામાં નામજોગ 14 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. બરવાળા 14માંથી 7 શખ્સોની અટકાયત કરાઇ છે. જ્યારે રાણપુરમાં 11 સામે ગુનો દાખલ કરાયો છે જ્યારે 6 શખ્સોને ઝડપી લેવાયા છે. તો ધંધુકામાં 8 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે અને તમામની ધરપકડ કરી લેવાઇ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્યના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.