દેશમાં સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં શરૂ થનારી 5G સેવા માટે હરાજી શરુ થઈ છે. મંગળવારે 5G સ્પેક્ટ્રમની હરાજીના પહેલા દિવસે ચાર રાઉન્ડ યોજાયા હતા. 5G સ્પેક્ટ્રમના વેચાણના પહેલા દિવસે સરકારને 1.45 લાખ કરોડની આવક થઈ છે અને તેમાં જિઓ, એરટેલ, વોડાફોન અને અદાણીની કંપનીએ ભાગ લીધો અને બોલી લગાવી હતી. 72 GHz 5 જી સ્પેક્ટ્રમ ફાળવણી માટે હરાજી યોજાઈ હતી.
પહેલા દિવસની હરાજી બાદ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આજની હરાજીમાંથી સરકારને 1.45 લાખ કરોડની આવક થઈ છે. તમામ કંપનીઓએ તેમાં ભાગ લીધો હતો. અને 14 ઓગસ્ટ સુધી 5જી સ્પેકટ્રમની હરાજી પૂરી કરી લેવામાં આવશે અને તે પ્રમાણે દેશમાં સપ્ટેમ્બર કે ઓક્ટોબર 2022માં 5જી સેવાઓ શરુ થઈ જશે.
મોબાઇલ સિગ્નલ માટે ઉપયોગમાં લેવાતા સ્પેક્ટ્રમની ભારતની અત્યાર સુધીની સૌથી મોટી હરાજીના પહેલા દિવસે, મુકેશ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ અને ગૌતમ અદાણી દ્વારા સંચાલિત જૂથોએ મંગળવારે પ્રથમ દિવસે 5 જી એરવેવ માટે 1.45 લાખ કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ ચારેય અરજદારોમાં અંબાણીની રિલાયન્સ જિયો, મિત્તલની ભારતી એરટેલ, વોડાફોન-આઇડિયા અને અદાણી ગ્રૂપની એક કંપનીએ 5જી સ્પેક્ટ્રમની હરાજીમાં “સક્રિયપણે” ભાગ લીધો હતો, જે અલ્ટ્રા-હાઇ સ્પીડ (4જી કરતા લગભગ 10 ગણી વધુ ઝડપી) પૂરી પાડે છે.
ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે હરાજીના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ગયા છે. બોલી લગાવવાના પહેલા દિવસે 1.45 લાખ કરોડ રૂપિયાથી વધુની બોલી લાગી હતી. વૈષ્ણવે કહ્યું કે, બુધવારે હરાજીનો પાંચમો રાઉન્ડ શરુ થશે. વૈષ્ણવે જણાવ્યું હતું કે સ્પેક્ટ્રમ ફાળવણી 14 ઓગસ્ટ સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે 2022 ના અંત સુધીમાં ઘણા શહેરોમાં 5 જી સેવાઓ શરૂ થવાની સંભાવના છે.