હાલમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પોલીસ દરોડા પાડી રહી છે. ત્યારે વલસાડના અતુલમાં દારૂની મહેફિલ ઉપર પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. આશરે 20થી વધુ લોકોની પોલીસે ધરપકડ કરી છે.
રાજ્યના વલસાડના અતુલમાં વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલાને દારૂ અંગેની બાતમી મળી હતી. જેના આધારે ખુદ SPએ ઘટનાસ્થળે પહોંચીને રેડ પાડી હતી. આ રેડ દરમ્યાન એક PSI સહિત 3 પોલીસકર્મીઓ દારૂની મહેફિલ માણતા જોવા મળ્યા જેના લીધે ખુદ SP પણ ચોંકી ઉઠ્યા. આથી SPએ તુરંત ઘટનાસ્થળે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને તૈનાત કરી દીધા હતા. બાદમાં જે કાયદેસરની કાર્યવાહી હોય તે શરૂ કરી દેવાઇ.
મળતી પ્રાથમિક માહિતી મુજબ રેડ દરમ્યાન જે દારૂનો જથ્થો મળી આવ્યો તે ક્વોલિટી કેસ તરીકે ગણાય એટલો જથ્થો હતો. ત્યારે લગભગ 2 કાર સહિત મોટરસાઇકલ મળીને કુલ 12 વાહનો કબજે કરાયા છે. કુલ 19થી 20 જેટલાં લોકો આ પાર્ટીમાં દારૂની મજા માણી રહ્યાં હતા.
ઘટનામાં એવું કહેવાય છે કે આ જે પાર્ટી હતી તે કોઇ એક વ્યક્તિના બર્થ-ડેના સેલિબ્રેશનને લગતી પાર્ટી હતી. હાલમાં આ મામલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.