બોટાદ અને અમદાવાદ જિલ્લામાં કેમિકલયુક્ત દારૂ પીધા બાદ અનેક લોકોની તબિયત લથડવાની ઘટનામાં અત્યાર સુધીમાં ૩૯ લોકોના મોત થયા છે, આ ઘટનામાં ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવેલ દર્દીઓ પૈકી અત્યાર સુધીમાં કુલ ૧૮ દર્દીઓના મોત થયા છે.બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ દારૂ પીધા બાદ તમામની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનામાં ગંભીર દર્દીઓને સોમવાર સાંજથી જ સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં લાવવામાં આવતા અહીં દાખલ કરેલા દર્દીઓએ પણ સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
ગઈ કાલ મોડી રાત સુધીમાં ૧૫ દર્દીઓના મૃત્યુ થયા બાદ આજે વધુ ત્રણ દર્દીઓના મૃત્યુ થતા ભાવનગર હોસ્પિટલમાં મૃત્યુ થયેલ દર્દીઓની સંખ્યા વધીને ૧૮ થઈ છે. ભાવનગર હોસ્પિટલમાં હજુ ૬૦ થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, દર્દીઓની સારવાર માટે હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સી સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ગંભીર દર્દીઓને ડાયાલીસીસ સહિતની સારવાર આપવામાં આવી રહી છે. હાલ ૧૫ જેટલા દર્દીઓની હાલત ગંભીર હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરમાં દર્દીઓની સારવાર માટે અમદાવાદથી પણ એક ટીમ આવી પહોંચી છે.
ભાવનગર હોસ્પિટલમાં મૃત્યુ પામનાર દર્દીઓની યાદી
ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરેલ દર્દીઓ પૈકી મૃત્યુ પામનાર દર્દીઓમાં રમેશભાઈ મધુભાઈ ખંભાળિયા (ભીમનાથ), કિરીટભાઈ કાળુભાઇ સોલંકી (ચંદરવા), અશોકભાઈ ગોવિંદભાઇ મીતાપરા (વેજલકા) દિનેશભાઈ વહાણભાઈ વીરગામા (રોજીદ), ભુપતભાઈ ઝીણાભાઈ વીરગામા (રોજીદ), દેવજીભાઈ નાનુભાઈ ખોડદા (રોજીદ) હરદેવસિંહ રણજીત સિંહ ચુડાસમા (દેવગાણા), બહાદુરભાઈ લઘરભાઈ (ચંદરવા), દીપકભાઈ રતિલાલ કુમરખાણીયા (પોલરપુર), કનુભાઈ સુરાભાઈ ચેખલીયા (દેવગાણા), દીપકભાઈ ભાવુભાઈ ભોગીયા (ભીમનાથ), નરશીભાઈ કાળુભાઈ વાઘેલા (દેવગાણા), બળવંતભાઈ નથુભાઈ સિંઘવ (વેજળકા), મનસુખભાઈ ભીમજીભાઈ સોલંકી (વૈયા), જાેગાભાઈ ધનાભાઈ ઘોળિયા (સુંદરયાણા), મકાભાઈ હબલભાઈ પરમાર (રોજીદ), લવજીભાઈ રામજીભાઈ ચાવડા (વેજલકા), ઘનશ્યામભાઈ ભનુભાઈ દેત્રોજા (વૈયા) નો સમાવેશ થાય છે.