સિહોર તાલુકાના ઉખારલા ( પાલડી ) ગામમાં પિતાના ઘરે રહેતી અને ઘોઘાના સમઢીયાળા ગામમાં સાસરું ધરાવતી મહિલાએ તેના પતિ અને સાસુ,સસરા વિરુદ્ધ શારીરિક,માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવતા વરતેજ પોલીસે તપાસ હાથ ધરી છે. સિહોરના ઉખારલા (પાલડી) ગામમાં પિતાના ઘરે રહેતા અસ્મિતાબેન રાકેશભાઈ ડુમરાળીયાએ વરતેજ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમના લગ્ન આજથી બે વર્ષ પહેલાં ઘોઘા તાલુકાના સમઢીયાળા ગામમાં રહેતા રાકેશભાઈ લાભુભાઈ ડુમરાળિયા સાથે થયા હતા.લગ્નના છ માસ સુધી પતિએ સારી રીતે રાખ્યા બાદ તેના માતા પિતા લાભુભાઈ અને વસંતબેનની ચડામણીથી પતિ રાકેશભાઈએ અવાર નવાર શારીરિક,માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા હતા.
પતિના અસહ્ય ત્રાસ અંગે પોતાના ભાઈને વાત કરતા ભાઈ,પિતા સહિતના પિયરપક્ષના લોકો અસ્મિતાબેનને તેડવા ગયા ત્યારે તેના પતિએ ભુંડાબોલી ગાળો આપી તેમને તગેડી મુક્યા હતા,ત્યાર બાદ ઉખારલના રઘુભાઈ રબારીએ મહિલા હેલ્પ લાઈન ૧૮૧ ને ફોન કરતા પોલીસ આવી હતી અને અસ્મિતાબેનને તેના પિતાના ઘરે મૂકી ગઈ હતી. વરતેજ પોલીસે અસ્મિતાબેનના પતિ રાકેશભાઈ,સસરા લાભુભાઈ અને સાસુ વસંતબેન વિરુદ્ધ આઈ.પી.સી.કલમ ૪૯૮એ, ૩૨૩, ૫૦૬(૨), ૫૦૪, ૧૧૪ અને જી.પી.એકટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.