ભગવાન શિવજીની ભક્તિ અને આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસનો આગામી તારીખ ૨૯ ને શુક્રવારથી આસ્થાભેર પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણ માસના પ્રારંભ પૂર્વે જ ભાવિકોમાં ઉત્સાહ જાેવા મળ્યો છે બે વર્ષ બાદ ભાવિકો કોઈપણ જાતના પ્રતિબંધો વિના પોતાની રીતે શ્રાવણ માસની વિવિધ શિવ મંદિરોમાં જઈ ઉજવણી કરી શકશે. આથી ભાવિકોમાં ઉત્સાહ બેવડાયો છે શ્રાવણ માસના પ્રારંભ પુર્વેજ શિવાલયોમાં રંગરોશની સહિત શણગાર કરવામાં આવી રહ્યા છે.
બે વર્ષ પછી કોરોનાના કોઇપણ જાતના નિયંત્રણ વિના પવિત્ર શ્રાવણ માસની આ વખતે ઉજવણી થનાર હોય મંદિરોને પણ આકર્ષક શણગાર કરવામાં આવી રહ્યો છે. ભાવનગરના પ્રસિદ્ધ તખ્તેશ્વર મહાદેવ મંદિર, નારેશ્વર, જશોનાથ, ભગવાનેશ્વર, મહાકાલેશ્વર, બિલેશ્વર સહિત મંદિરોમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વહેલી સવારથી દિવસભર ભાવિકોની ગિર્દી જાેવા મળશે. હિન્દુ ધર્મના આસ્થાના પ્રતીક સમાન પવિત્ર શ્રાવણ માસમાં અનેક લોકો એકટાણા કરે છે. જ્યારે શ્રાવણ માસમાં સોમવારે તો મોટાભાગના લોકો એકવાર જમીને એકટાણું કરે છે.
શ્રાવણ માસનાં પ્રારંભ પુર્વે ફુલ બજારમાં તેજી આવી છે. આ ઉપરાંત મીઠાઈ ફરસાણના વેપારીઓ દ્વારા પણ મીઠાઈ તથા ફરાળી ચેવડો સહિતની વાનગીઓની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. શ્રાવણ માસમાં જિલ્લાના પ્રસિદ્ધ શિવમંદિરો ઉપરાંત સોમનાથ મહાદેવ મંદિરે પણ ભાવિકોની ભારે ભીડ રહેશે.