ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં બોગસ બીલિંગની તપાસ માટે ગયેલી સીજીએસટી ટીમ ઉપર હુમલો કરવાની ઘટનામાં ઝડપાયેલા સાત આરોપીઓની જામીન અરજી અદાલતે રદ કરી હતી.
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલ મહેક એપાર્ટમેન્ટમાં બોગસ બિલ્ડિંગ મામલે તપાસ માટે ગયેલી સીજીએસટી ટીમ ઉપર આઠ શખ્સે હુમલો કરતા સ્થાનિક એ ડિવિઝન પોલીસ મથકમાં વલ્લી હાલારી સહિત આઠ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં પોલીસ વિભાગ દ્વારા ખાસ ટીમની રચના કરવામાં આવ્યા બાદ એલસીબીએ હુમલામાં સંડોવાયેલા સાત આરોપીઓને ઝડપી લીધા હતા.
હુમલાની ઘટનામાં જેલ હવાલે થયેલા સાત આરોપીઓ દ્વારા સ્થાનિક સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરવામાં આવેલ હતી જેની સુનાવણી કરવામાં આવ્યા બાદ અદાલતે સાતેય આરોપીઓના જામીન ના મંજૂર કર્યા હોવાનું એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. બી. ભરવાડે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે,હુમલાની ઘટનામાં મુખ્ય આરોપીઓ હજુ પણ ફરાર હોય પોલીસ તંત્ર દ્વારા તેમને ઝડપી લેવા કાર્યવાહી કરવામાં આવી રહી છે.