લઠ્ઠાકાંડની ઘટના મુદ્દે કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઈના કાર્યકરોએ આજે ભાવનગરમાં કલેકટર કચેરી પાસે રોડ પર બેસી જઈ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના પગલે પોલીસે કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. એનએસયુઆઈએ જણાવ્યું કે, બોટાદ અને ધંધુકા તાલુકામાં બનેલી ઘટનાથી ગુજરાતમાં કડક દારૂબંધીની કડવી વાસ્તવિકતા માત્ર કાગળો પર જ છે તે ફરી એકવાર સાબિત થયું છે . દારૂના નામે ઝેરી કેમિકલ પદાર્થ ભેળવીને દારૂ પીવાથી પ૦થી વધુ લોકો અકાળે મૃત્યુ પામ્યા છે , તેમજ ૮૦ થી વધુ લોકો ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે . રોજીદ ગામના લોકો દ્વારા ચાર મહિના અગાઉ દારૂબંધી અંગે મામલતદારને લેખિતમાં રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં આવ્યા ન હતા અને તેને લીધે આવું ખરાબ પરિણામ આપણી સામે આવ્યું છે . આ તમામ લોકોના મૃત્યુ માટે જવાબદાર સરકાર અને વહીવટતંત્ર છે. કારણ કે સરકાર અને દારૂ માફીયાની મિલીભગતને કારણે જ આ બનાવ બન્યો છે. જાે ગામ લોકોની રજુઆત બાદ તંત્ર દ્વારા યોગ્ય પગલા લેવામાં આવ્યા હોત તો કદાચ મોતને ભેટેલા લોકો આજે જીવિત હોત . રાજ્ય સરકારના રક્ષણ હેઠળ ગુજરાતમાં ગુનેગારો અને માક્રિયા પ્રોત્સાહન મળે છે અને ડ્રગ્સ ગાંજાે દારૂ જેવા નશીલા પદાર્થનું મોટા પાયે રાજ્ય સરકારની રહેમ નજર હેઠળ ધંધા ચાલી રહ્યા છે . જેને કારણે ગુજરાતના નાગરિકોનું ભવિષ્ય અત્યંત ચિંતાજનક અને ભયજનક લાગે છે . આ પ્રાયોજિત હત્યામાં સંડોવાયેલા તમામ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, રાજ્ય ગૃહમંત્રી દ્વારા રાજીનામું આપવામાં આવે અને ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી કરવામાં ખાવે તેમજ આ લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલ લોકોને તેમજ સારવાર હેઠળ તમામ લોકોને સરકાર દ્વારા આર્થિક સહાય કરવામાં આવે તેવી અમારી માગણી છે તેમ અંતમાં ઉમેર્યું હતું.