બનાસકાંઠામાં ત્રિપલ તલાક મામલે ક્લાસ 2 અધિકારીને હવે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાણી પુરવઠા વિભાગના ઉપસચિવે અધિકારી પર કાર્યવાહી કરી છે.કાર્યપાલક ઇજનેર S.M બિહારી પર એક્શન લેવામાં આવતા પીડિતા કહ્યું કે મને ન્યાય અધૂરો મળ્યો આરોપી ડીસમિસ થવો જોઈએ. મહત્વનું છે કે 3 વર્ષ અગાઉ હેબતપુરની પરણીતાને ત્રિપક તલાક આપ્યા હતા. કોર્ટ દ્વારા અગાઉ આરોપીને 1 વર્ષ કેદની સજા ફટકારાઈ હતી.
આરોપી સરફરાજખાન બિહારી વર્ગ 2નો સિંચાઇ વિભાગનો અધિકારી છે. તેણે સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો જે બાદ તેણે પત્નીને ત્રણ વખત તલાક તલાક તલાક કહી કાઢી મૂકી હતી. સમગ્ર મામલો કોર્ટમાં જતા પાલનપુર કોર્ટે આરોપી સરફરાજખાનને એક વર્ષની કેદની સજા સાથે રૂપિયા 5 હજારનો દંડ પણ આરોપીને ફટકારવામાં આવ્યો હતો, જે બાદ આજે ક્લાસ 2 અધિકારી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
આ કેસની મળતી માહિતી મુજબ વડગામની યુવતીના લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન સાથે થયા હતા. ઘર સંસારમાં સારી રીતે ચાલ્યા બાદ એક દીકરીની માતાને તરછોડી 3 વખત તલાક કહી, ઓફિસમાં કામ કરતી હિન્દુ યુવતી સાથે સિંચાઇ વિભાગનો અધિકારી સરફરાજખાને લગ્ન કર્યા હતા. પરિવારની દખલગીરી બાદ યુવતી સાથે સંબંધ નહીં રાખે તેવા સમાધાન બાદ મામલો થાળે પડ્યો હતો. જે બાદ પણ સરફરાજખાને યુવતી સાથે સબંધ બનાવી રાખ્યા હતા. પહેલી પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જે બાદ પ્રેમી યુવતીને એક દીકરાનો જન્મ થયો હતો. પીડિતાએ પાલનપુરમાં ત્રિપલ તલાકના કાયદા હેઠળ નોંધાવી હતી. જેની સુનાવણીમાં પાલનપુર કોર્ટે આરોપીને એક વર્ષની કેદ ફટકારી હતી.
2જી એડિશનલ કોર્ટમાં ચાલી જતા જજ જી.એસ દરજીએ તમામ બાબતો અને સરકારી વકીલની દલીલોને ધ્યાને લેતા અને કેશની ગંભીરતા જોતા આરોપી સરફરાઝ ખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી હતી. પાલનપુરની 2જી એડિશનલ કોર્ટમાં સમગ્ર મામલે કડક વલણ અપનાવી સરકારી વકીલની રજૂઆતો અને પીડિતાને ધ્યાને રાખી ત્રિપલ તલાક એક્ટ મુજબ સજા ફટકારતા કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો.