બોટાદ જિલ્લાના બરવાળામાં થયેલા કેમિકલ કાંડમાં 55 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં મોતનો આંકડો હજી વધુ શકે તેવી શક્યતા છે.આ ઘટનાના પગલે ગૃહમંત્રાલય દ્રારા 6 પોલીસકર્મીને સસ્પેંડ કરવામાં આવ્યા છે.
સસ્પેંડ કરવામાં આવેલા કર્મચારીઓમાં પી.એસ.આઈ. ભગીરથસિંહ ગંભીરસિંહ વાળા, પી.એસ.આઈ. શૈલેન્દ્રસિંહ દિલુભા રાણા, પોલીસ કર્મી સુરેશકુમાર ભગવાનભાઈ ચૌધરી, પીઆઇ કે.પી. જાડેજા, એસ. કે. ત્રિવેદી (એસડીપીઓ બોટાદ), એનવી પટેલ (એસડીપીઓ ધોળકા)ને સસ્પેંડ કરવામાં આવ્યા છે. જ્યારે બોટાદ એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્ય એસપી વિરેન્દ્રસિંહ યાદવની બદલી કરવામાં આવી છે.
આ ઘટનામાં જે પણ આરોપીઓની સંડોવણી ખૂલી છે તેમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. એટલું જ નહીં, સ્પેશીયલ PP ની નિમંણૂક કરી છે. આ ઘટનામાં 15 ગુનેગારોને 2 દિવસમાં પકડી લીધા છે. આ ઘટનામાં ગુજરાતના વોંટેડ બુટલેગરને ઝડપી લેવામાં આવ્યો છે. જેનું નામ પીન્ટું છે. પીન્ટુ ને પણ SMC એ ઝડપી લીધો છે. સરપંચના પત્ર બાદ પોલીસે 6 વાર રેડ કરી છે. છેલ્લા 20 દિવસથી દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ કરાવ્યા હતા, એવું સ્થાનિકોએ મિડીયાને પણ જણાવ્યું છે.
બરવાળા કેમિકલ કાંડમાં બુધવારે મુખ્ય બંને આરોપીના 6 દિવસના રિમાન્ડ બરવાળા કોર્ટે મંજુર કર્યા હતા. આજે ગજુબેન પ્રવીણભાઈ વડોદરિયા અને પિન્ટુ રસિકભાઈ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. બીજી બાજુ પોલીસે કોર્ટમાં 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પરંતુ કોર્ટે આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.