બરવાળા અને બોટાદમાં તાજેતરમાં લઠ્ઠાકાંડ બાદ હવે પ્રબુદ્ધ નાગરિકો દારૂબંધીનો જાતે અમલ કરવા આગળ આવ્યા છે. જેમાં મોરબીના વીસીપરા વિસ્તારમાં કાઉન્સિલરે જાહેરમાં નગારે ઘા કરી આજથી વિશિપરામાં દારૂ વેચવાનું બંધ કરવાનું ઢોલ વગાડીને એલાન કર્યું હતું અને લોકોને જાગૃત કરી જાહેરમાં કોઈ દારૂ વેંચતા હોય તો મને જાણ કરવા અનુરોધ કરી પોતે રેઇડ પડાવશે તેવુ આહવાન કાઉન્સિલરે કર્યું હતું.
મોરબીના વીસીપરા વિસ્તારના કાઉન્સિલર જયંતિભાઈ ઘાટલિયા ગુજરાતમાં લઠ્ઠાકાંડને લઈને તેમના વિસ્તારમાં દારૂ બંધ કરાવવા મેદાને આવ્યા હતા. તેઓએ વિશિપરાના આખા વિસ્તારમાં ફરી ઢોલ વગાડીને આજથી વીસીપરામાં દારૂ બંધ કરવામાં આવે તેવું એલાન કર્યું હતું. ગુજરાત લઠ્ઠાકાંડથી કેટલાય પરિવારો બરબાદ થઈ ગયા હોય વીસીપરા વિસ્તારમાં આવી ઘટના ન બને તે માટે દારૂ બંધ કરવાનું કહી લોકોને જાગૃત કર્યા હતા. તેમજ આ વિસ્તારમાં કોઈ દારૂ વેંચતા હોય તો નિડતરતા પૂર્વક ફરિયાદ કરવા જણાવ્યું હતું.