મહુવા શહેરમાં માલણ નદીને કિનારે આવેલા કૈલાસ ગુરુકુળ ખાતે પૂ.મોરારીબાપુની સન્નીદ્ધિમાં રામચરિત માનસ સહિતના ગ્રંથોના રચનાકાર સંત તુલસીદાસજીના જન્મોત્સવ નિમિત્તે આગામી તા.1 થી 4 ઓગસ્ટ (સોમ થી ગુરુ) દરમિયાન તુલસી જન્મોત્સવ સાથે કૈલાસ ગુરુકુળના આદ્ય શંકરાચાર્ય સંવાદ ગૃહમાં વાલ્મિકી,વ્યાસ અને તુલસી એવોર્ડની અર્પણ વિધિનો કાર્યક્રમ યોજાશે.
પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ આ તુલસી પર્વમાં તા.1 થી 3 ઓગસ્ટ સુધી દેશભરના અલગ અલગ પ્રાંતોમાંથી આવેલા કથાના વાંચકો ગાયકો દ્વારા પ્રવચનો થશે. દર વર્ષે તુલસી જન્મ તિથિ (શ્રાવણ સુદ સાતમ) ના દિને વાલ્મિકી રામાયણ,મહાભારત, ગીતા, પુરાણ,રામચરિત માનસ, તેમજ તુલસી સાહિત્યની કથા,ગાન, પ્રવચન-અધ્યયન અને સંશોધન-પ્રકાશનમાં આજીવન સેવાના ઉપલક્ષમાં પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરનાર દેશ વિદેશના વિદ્યમાન વરિષ્ઠ વિદ્વાનો ઉપરાંત સંસ્થાઓનું આ એવોર્ડ વડે સન્માન કરવામાં આવે છે.
કાર્યક્રમમાં આવનાર દરેક શ્રોતાજનોએ સરકારની કોરોનાની વર્તમાન ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે તેમ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા જણાવાયું છે .
આ વર્ષે આ મહાનુભાવોનું એવોર્ડથીસન્માન થશે
2022ના વર્ષના ત્રણેય એવોર્ડની અર્પણ વિધિ તા.4 ને ગુરુવારે તુલસી જન્મ જયંતીના પાવન પ્રસંગે સવારે 9 વાગે વિધ્વતજનોની ઉપસ્થિતિમાં થશે. આ વર્ષના વરિષ્ઠ વિદ્વાનોમાં વાલ્મીકિ એવોર્ડ માધવાચાર્યજી મહારાજ (અયોધ્યા),વિજય શંકર દેવશંકર પંડ્યા (અમદાવાદ), સ્વ.રામાનંદ સાગર (મુંબઈ) તથા વ્યાસ એવોર્ડ પૂ. શરદભાઈ વ્યાસ (ધરમપુર), આચાર્ય ગોસ્વામી મૃદુલ કૃષ્ણજી મહારાજ (વૃંદાવન) તેમજ તુલસી એવોર્ડ સુશ્રી રામબેન હરિયાણી (જયપુર), મુરલીધરજી મહારાજ (ઓમકારેશ્વર) અને મહંત રામ હૃદયદાસજી (ચિત્રકૂટ ધામ સતના મધ્યપ્રદેશ) ને એવોર્ડમાં વંદનાપત્ર, સૂત્રમાલા, શાલ અને રૂપિયા સવા લાખની સન્માન રાશિ અર્પણ કરીને પૂ.મોરારીબાપુ દ્વારા વંદના કરવામાં આવશે.