બરવાળા કેમિકલકાંડમાં ફરી એકવખત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બરવાળા કેમિકલકાંડમાં એસપી સહિતના અધિકારીની બદલી અને સસ્પેન્ડ બાદ વધુ કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક્શન લેવામાં આવ્યા છે. બોટાદ જિલ્લાના એલસીબી અને એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, એ.એસ.આઈ સહિતના પોલીસકર્મીની બદલીનો ગંજીપો ફરી એકવાર ચીપાયો છે.
બરવાળા કેમિકલકાંડમાં વધુ 12 જેટલા પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે. બોટાદ એલસીબી, એસઓજીમાં ફરજ બજાવતા બાર પોલીસકર્મીની જિલ્લા બહાર ડિજી ઓફીસ દ્વારા બદલી કરવામાં આવી હોવાની માહિતી મળી છે. ઉલ્લેખનીય છે કે, બોટાદ કેમિકલકાંડ મામલે ગૃહ વિભાગે મોટી કાર્યવાહી કરી હતી.
બોટાદના બરવાળાના કેમિકલકાંડમાં પોલીસકર્મીઓ પર વિજળી પડી હતી. રાજ્ય સરકારે કેમિકલ કાંડમાં મોટી કાર્યવાહી કરીને 2 SPની બદલી કરી દીધી હતી, જ્યારે 6 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરાયા હતા. SPની બદલીની વાત કરીએ તો બોટાદના SP કરનરાજ વાઘેલાની બદલી ગાંધીનગરમાં સરકારી સંપતિના સુરક્ષા વિભાગના કમાન્ડન્ટ તરીકે બદલી કરાઈ હતી, જ્યારે અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવની અમદાવાદ મેટ્રોના સિકયોરિટી કમાન્ડન્ટ તરીકે બદલી કરવામાં આવી હતી.