જાણીતા અભિનેતા રસિક દવેએ મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 65 વર્ષના હતા. ઇન્ડસ્ટ્રીમાં લોકો તેમને પ્રેમથી રસિકભાઇ કહીને બોલાવતા હતા. જાણવા મળ્યા મુજબ તેઓ મુંબઈની એક હોસ્પિટલમાં બે વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેમની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તમને દર અઠવાડિયે ત્રણ વખત હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે જવું પડતું હતું, પરંતુ છેલ્લાં કેટલાક સમયથી તેમની તબિયત વધુ બગડી હતી અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના અંતિમ સંસ્કાર આજે કરવામાં આવશે.
રસિકભાઇએ 1982માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘પુત્રવધુ’થી પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે ગુજરાતી અને હિન્દી જેવી બે અલગ અલગ ભાષાઓમાં કામ કર્યું હતું. તેઓ મહાભારત સીરિયલમાં નંદના પાત્ર માટે જાણીતા છે. તેમણે ઘણા ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો, હિન્દી સિરિયલો તેમજ હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમણે પત્ની કેતકી દવે સાથે ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે’ સિઝન-2 માં પણ ભાગ લીધો હતો. તેમણે અનેક ગુજરાતી નાટકો પણ બનાવ્યા છે. તેઓ સોની ટીવીના સૌથી લાંબા ચાલેલા શો એક મહેલ હો સપનો કામમાં જોવા મળ્યા હતા. આ શો સો એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો હતો.