જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં શનિવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ અંગે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાના કરેરી વિસ્તારના વાનીગામ બાલામાં આતંકવાદીઓની હાજરી મળી હતી, જેના પગલે સુરક્ષા દળોએ કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જેથી સુરક્ષાદળોએ તાત્કાલિક સ્થળને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું.હજુ સુધી બંને પક્ષે કોઈ જાનહાની થઈ નથી
આ પહેલા બુધવારે સવારે પણ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના એન્કાઉન્ટરના સમાચાર આવ્યા હતા. દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળોના જવાનોએ આતંકીઓને ઘેરી લીધા હતા. એન્કાઉન્ટરની આ ઘટના કુલગામ જિલ્લાના યારીપુરાની છે. મળતી માહિતી મુજબ, 27 જુલાઈની સવારે સુરક્ષા દળોના જવાન યારીપુરાના બરિહાર્દ કાઠપુરા વિસ્તારમાં પેટ્રોલિંગ પર નીકળ્યા હતા. આ દરમિયાન એક જગ્યાએ બેથી ત્રણ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. બેથી ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી મળતાં જ સુરક્ષા દળોએ ત્યાં પહોંચીને ઘેરો ઘાલ્યો હતો.