ગુજરાતમાં પહેલી વાર બુટલેગરના બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા હોવાનું સામે આવ્યું છે. બુટલેગર નાગદાન ગઢવી અને વિનોદ સિંધી બંને બુટલેગરના 20 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાયા છે. મહત્વનું છે કે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુરૂગ્રામથી ગુજરાતના લીસ્ટેડ બુટેલેગર નાગદાન ગઢવીને ઝડપી લીધા હતા જે બાદ તેની પાસેથી અન્ય બુટલેગર વિનોદ સિંધી સાથે મળીને ગુજરાતમાં દારૂનુ નેટવર્ક ચલાવતા હોવાની ચોંકાવનારી વિગતો મળી આવી હતી. આ બંનેના 20 બેંક એકાઉન્ટમાંથી 45 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહાર મળી આવ્યા છે.
સ્ટેટ મોનિટરીંગ સેલને નાગદાન ગઢવીના દારૂના નેટવર્કની વિગતો આપતી ઓડીયો ક્લીપ મળી આવી હતી. ઓડિયો ક્લિપને આધારે કાર્યવાહી કરતા નાણાંકીય હેરફેર માટે ચોક્ક્સ આંગડિયા પેઢીનો ઉપયોગ થતો હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે નાગદાનની વધુ પૂછપરછ કરવામાં આવી પરંતુ તે અનેક હકીકતો છૂપાવતો હોવાનું ધ્યાન પર આવતાં એફએસએલ દ્વારા તેના એલ.વી.એ.ટેસ્ટ કરવામાં આવશે.
આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે તે નાગદાન અને વિનોદ સિંધી પી.વિજય અને કનુ કાંતિ આંગડિયા પેઢી મારફતે પૈસાની લેવડ દેવડ કરતા હતા. આ મામલે પણ સ્ટેટ મોનિટરિંગ સેલ તપાસ હાથ ધરશે. મહત્વનું છે કે છ મહિના દરમિયાન નાગદાન ગઢવી દ્વારા 9 કરોડ અને વિનોદ સિંધીએ 35 કરોડના વ્યવહાર કર્યા હોવાનો ખુલાસો પણ થયો છે. આ સમગ્ર મામલે તેઓએ વિદેશી દારૂનું વેચાણ કરવા માટે અન્ય ધંધાના બનાવટી દસ્તાવેજો બનાવ્યા હોવાનું બહાર આવતા પોલીસે નાગદાન ગઢવી વિરૂદ્ધ IPC કલમ 465, 648, 471 અને 120 (બી) હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નાગદાનની ડાયરીમાંથી દારૂના ધંધાને લગતી મહત્વની વિગતો પણ આવી સામે આવતા પોલીસે બંનેના એકાઉન્ટ ફ્રીઝ કરીને વધુ તપાસ હાથ ધરી છે.