એઆઈએમઆઈએમ અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. એક કાર્યક્રમને સંબોધિત કરતા તેમણે કહ્યું કે વોટ બેન્કની રાજનીતિને કારણે વિકાસ થયો છે, પરંતુ મુસલમાનોનો વિકાસ થયો નથી. કારણ કે મુસલમાનોને ક્યારેય વોટ બેંક સમજવામાં આવી નથી. આજે ન શિક્ષણ છે ન રોજગાર. ઓવૈસીએ કહ્યુ કે બંધારણમાં જે લખ્યું છે, તેનાથી ઉલ્ટું થઈ રહ્યું છે. આપણા દેશમાં સંસદીય લોકતંત્ર છે, પરંતુ આપણે તેને વાસ્તવિક રૂપ આપી રહ્યાં નથી.
ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટી પર નિશાન સાધતા ઓવૈસીએ કહ્યુ કે, આ બંને પાર્ટીઓમાં મોટા નેતા છે, પરંતુ પાર્ટી નાની છે. આ પાર્ટીઓમાં નેતાને મોટા સમજવામાં આવે છે. ઓવૈસીએ કહ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે જવાબ આપવો જોઈએ કે દેશમાં કોણ કટ્ટરતા ફેલાવી રહ્યું છે. તે ગણ્યાંગાંઠ્યા લોકો કોણ છે? તેમણે કહ્યું કે જનતાનો સંસદીય લોકતંત્રમાં વિશ્વાસ ઉઠી ગયો છે. તે દિવસ દૂર નથી, જ્યારે શ્રીલંકાની જેમ સ્થિતિ અહીં થશે, જ્યારે જનતા પ્રધાનમંત્રી આવાસમાં ઘુસી જશે.
ઓવૈસીએ પરિવારવાદ પર સવાલના જવાબમાં કહ્યું કે વિધાનસભા કે સાંસદની ચૂંટણી લડવા માટે પૈસાની જરૂર હોય છે. પરિવારના બેકગ્રાઉન્ડને જોઈને ટિકિટ આપવામાં આવે છે. કિસાન આંદોલન, સીએએ આંદોલન અને અગ્નિવીર યોજનાનો વિરોધ જનતાએ કર્યો. જનતા રસ્તા પર આવી ગઈ કારણ કે આપણા પર વિશ્વાસ નથી રહ્યો. તેનો અવાજ ઉઠાવવાનો હતો, પરંતુ આપણે લોકોએ તે કર્યું નહીં.