રાજ્યભરના તલાટી કમ મંત્રીઓ દ્વારા વર્ષોથી પડતર માગણીઓને લઇને આગામી તા.૨જી ઓગસ્ટ એટલે કે, મંગળવારથી અચોક્કસ મુદતની હડતાલનું રણશિંગું ફુંકાયું છે ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગભાઇ ગેરૈયાએ જણાવ્યું હતું કે, તલાટીઓની વણઉકેલ માગણીઓ અંગે સરકારમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં હકારાત્મક પગલાં લેવામાં આવતા ન હોવાથી તા.૨જી ઓગસ્ટથી તલાટીઓ દ્વારા અચોક્કસ મુદતની રાજ્યવ્યાપી હડતાલનું એલાન અપાયું છે.
રાજ્યમાં હાલ ૮૫૦૦ તલાટી કમ મંત્રીઓ કાર્યરત છે, જે હડતાલ અંતર્ગત કામગીરીથી અલિપ્ત રહશે જેથી કુલ ૧૮૭૦૦ ગામડાંઓમાં સરકારી સ્તરે ખેડૂતોના વિવિધ દાખલા સહિતની તમામ કામગીરી ખોરવાઇ જશે. રાજકોટ જિલ્લામાં પ્રવર્તમાન સ્થિતિએ તલાટીઓની સંખ્યા ૩૭૦ છે, જે મંગળવારથી કામ નહીં કરે તેના કારણે જિલ્લાની ૫૯૧ ગ્રામપંચાયતોની નિર્ધારિત કામગીરી પર અસર પડશે. હડતાલ પાડવાને એક દિવસનો સમય બાકી છે, તેમ છતાં હજુ સરકાર દ્વારા કોઇ હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો નથી જેના કારણે તલાટીઓ હડતાલ પાડવા મક્કમ છે.