અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે આતંકી સંગઠન અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને ડ્રોન હુમલામાં માર્યો છે. વર્ષ 2011માં ઓસામા બિન લાદેનની હત્યા બાદ અલ કાયદા માટે આ સૌથી મોટો ફટકો છે. અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં CIAના ડ્રોન દ્વારા જવાહિરીને ઠાર કરવામાં આવ્યો છે. કેટલાક મીડિયા અહેવાલોમાં પણ એ વાત સામે આવી છે કે અલ-કાયદાનો અગ્રણી નેતા અયમાન અલ-જવાહિરી, અફઘાનિસ્તાનમાં સપ્તાહના અંતે યુએસ સ્ટ્રાઈકમાં ઠાર મરાયો છે.
જો કે હવે આ સમાચારની પુષ્ટિ ખુદ રાષ્ટ્રપતિ જો બાયડને પોતાના સંબોધનમાં કરી છે. સોમવારે સાંજે પોતાના સંબોધનમાં રાષ્ટ્રપતિ બિડેને કહ્યું કે ‘ન્યાયની જીત થઈ છે. કાબુલમાં થયેલા હવાઈ હુમલામાં અલ કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીનું મોત થયું છે. જે લોકો અમેરિકા માટે ખતરો છો, તો અમેરિકા તમને શોધી કાઢશે અને તમને બહાર કાઢશે, પછી ભલે તમે ગમે ત્યાં છુપાયો હશે, કે પછી ભલે તે કેટલો સમય લે.’
11 સપ્ટેમ્બરના હુમલા બાદ 2001ના અંતમાં અમેરિકી દળોએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને તોડી પાડી ત્યારે બિન લાદેન અને જવાહિરી બંને ભાગી ગયા હતા. બાદમાં લાદેનને 2011માં પાકિસ્તાનમાં અમેરિકી દળોએ માર્યો હતો.
અમેરિકાના એક અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે રવિવારે CIAએ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ડ્રોન હુમલો કર્યો. વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ અફઘાનિસ્તાનમાં અલ-કાયદા વિરુદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કર્યું છે. આ ઓપરેશન સંપૂર્ણ સફળ રહ્યું હતું અને તેમાં કોઈ નાગરિક જાનહાનિ થઈ ન હતી. આ હુમલો અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરોધી અભિયાનના ભાગરૂપે કરવામાં આવ્યો હતો.