ઘોઘા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસમાં યુવા પલટનમાં પ્રતિભાશાળી ગણાતા સંજયસિંહ ગોહિલ -માલપરે આખરે કોંગ્રેસ સાથે ધડમૂળથી છેડો ફાડયો છે, સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે આ જાહેરાત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી તેઓ કોંગ્રેસની નિતીરીતિથી નારાજ થઈ પોતાની હૈયા વરાળ સોશિયલ મીડિયા પર ઠાલવતા રહ્યા હતા. જાેકે, સંજયસિંહનો ભાજપ પ્રવેશ નિશ્ચિત મનાય છે!
કોંગ્રેસમાં ભાવનગર જિલ્લામાં યુવા અગ્રણીઓમાં સંજયસિંહ ગોહિલનું નામ અગ્ર હરોળમાં આવતું. રાજકીય ક્ષેત્રે પ્રતિભાશાળી કારકિર્દી ધરાવતા સંજયસિંહએ પ્રદેશ સંગઠનમાં પણ જવાબદારી નિભાવી છે, જિલ્લા સંગઠનમાં તેમને નજર અંદાઝ કરી દેવાતા તેઓ નારાજ હોવાનું ચર્ચાતું હતું. દરમિયાનમાં ગઈકાલે તેમણે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામુ ધરી દઈ છેડો ફાડી નાખ્યો છે.
ચર્ચા મુજબ તેઓ આગામી દિવસોમાં ભાજપનો ખેસ ધારણ કરશે. રાજકારણમાં પક્ષ પલટો નવી વાત નથી પરંતુ પક્ષને તન મન અને ધન બધી જ રીતે વફાદાર આગેવાન જયારે છેડો ફાડે ત્યારે અન્ય કાર્યકરોને વિચારતા કરી મૂકે છે.