પૂર્વ રાજ્ય મંત્રી અને શિવસેનાના એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય ઉદય સામંતના વાહન પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. આદિત્ય ઠાકરેએ જ્યાં જાહેર સભાનું આયોજન કર્યું હતું ત્યાંથી પસાર થતા સમયે કાત્રજ ચોકમાં આ હુમલો થયો હતો.
સુત્રો દ્ધારા મળતી માહિતી પ્રમાણે ઉદય સામંત કાર દ્વારા પોતાના ઘરે જઈ રહ્યા હતા તે જ સમયે તેમના પર હુમલો થયો. આ હુમલામાં ઉદય સામંતની કારની પાછળની બારી તૂટી ગઈ છે. એટલું જ નહીં હુમલા બાદ લોકોએ ત્યાં રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
અગાઉ, એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરેના જૂથ સામસામે આવી ગયું હતું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. આ સૂત્રોચ્ચાર ડોમ્બિવલી વિસ્તારમાં પાર્ટી કાર્યાલયમાં પ્રવેશ્યા બાદ થયો હતો. સ્થિતિ એટલી હદે વધી ગઈ કે લોકો એકબીજા સાથે હાથાપાઇ પર ઉતરી ગયા. નોંધનીય છે કે શિવસેનાની પાર્ટી ઓફિસમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની તસવીર લગાવવામાં આવી હતી, ત્યારબાદ બંને જૂથના સમર્થકોએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું.