ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે ગઈકાલે દારૂ પીવાની આદત ધરાવતા એક વૃદ્ધને તેના પત્નીએ શ્વાસ રૂંધી, મોતને ઘાટ ઉતારી દીધાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા તાલુકાના કોઠા વિસોત્રી ગામે રહેતા લાલજીભાઈ રણછોડભાઈ જાડેજા નામના ૬૫ વર્ષના ખવાસ વૃદ્ધ ગઈકાલે મંગળવારે સવારના સમયે તેમના ઘરે હતા. ત્યારે દારૂ પીવાની ટેવ ધરાવતા લાલજીભાઈ દ્વારા અવારનવાર તેમના પત્ની જ્યોત્સનાબેન સાથે ઝઘડો કરવા ઉપરાંત તેમને તથા બાળકોને બિભત્સ ગાળો આપવામાં આવતી હતી. આ વચ્ચે ગઈકાલે સવારે લાલજીભાઈ દ્વારા જ્યોત્સનાબેન સાથે બોલાચાલી કરી, ચારિત્ર બાબતે શંકા કરવામાં આવતા આ કાયમની માથાકૂટથી કંટાળેલા જ્યોત્સનાબેને લાલજીભાઈના મોઢા ઉપર ઓશીકું દબાવી દેતા તેમનો શ્વાસ રૂંધાઇ ગયો હતો અને ઘટના સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.