મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના સામાન્ય માનવીના વ્યાપક હિતને હૈયે રાખીને મહેસૂલી નિયમોમાં નીતિવિષયક મહત્વપૂર્ણ સુધારા કર્યા છે. સખાવતી હેતુસર જમીન તબદીલી, ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં સ્પષ્ટતા, રિવાઈઝ્ડ એન.એ. સમયે પુનઃઅભિપ્રાયમાંથી મુક્તિ, વારસાઈમાં પડતી તકલીફમાં નિવારણ, લીસ પેન્ડેન્સીના રજિસ્ટ્રેશન, જેવી મહત્વની બાબતો અંગેના નિયમોમાં સુધારા જેવા મહત્વપૂર્ણ નિર્ણયોનો આમાં સમાવેશ થાય છે.
આ સુધારાને પરિણામે હવે ખેતીની જમીન જ્યારે સખાવતી હેતુસર કોઈ પણ સરકારી/અર્ધસરકારી/સ્થાનિક સ્વરાજની સંસ્થાને બિનઅવેજમાં ભેટ કરવામાં આવે ત્યારે પ્રવર્તમાન સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૧૦૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી જ ભરવાની રહેશે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીનું અગાઉ પડતું ભારણ હવે રહેશે નહીં. એટલું જ નહીં, ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ વખતે દીકરીનાં સંતાનોને પણ જંત્રીના ૪.૯૦ ટકાની સ્ટેમ્પ ડ્યુટીના બદલે ફક્ત ૩૦૦ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની રહેશે, તેવો નીતિવિષયક નિર્ણય મુખ્યમંત્રીએ કર્યો છે. રાજ્ય સરકારે ટ્રસ્ટને ફાળવેલ સરકારી જમીનના કિસ્સામાં ટ્રસ્ટ એક્ટની કલમ-૩૬ તથા મહેસૂલ વિભાગ/સરકારની મંજૂરી જરૂરી છે તથા પ્રિમિયમ ભરવા પાત્ર છે, તે મુજબની સ્પષ્ટતા સરકારનું હિત જળવાય તે હેતુસર ગામ નં.૭માં કરવાનો નિર્ણય પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે.
નવી શરતની/સાંથણની/ગણોત ધારા હેઠળ પિતા-માતાને મળેલી અથવા વારસાઈ હક્કથી ધારણ કરેલી જમીન કે જેમાં માત્ર મોટાભાઈનું નામ ચાલતું હોય તેમનું અવસાન થવાના સંજોગોમાં મહેસૂલી રેકર્ડમાં કાયદેસરની કાર્યવાહી કરીને બાકી રહેતા ભાઈ/બહેનોનાં નામો પણ મહેસૂલી રેકર્ડમાં દાખલ કરવાનો ખેડૂતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. પારિવારિક વિવાદ કે અસમંજસતા આના પરિણામે દૂર થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસૂલી નિયમોમાં કરેલા નીતિવિષયક સુધારા અનુસાર હવે, એક હેતુ માટે બિનખેતી મળેલ હોય અને ત્યારબાદ અન્ય હેતુ માટે બિનખેતીની અરજી(રહેણાંકમાંથી વાણિજ્ય વગેરે) સમયે પ્રિમિયમ, ઝોનિંગ, જી.ડી.સી.આર., એન.એ. શરતભંગ સિવાય અન્ય કોઈપણ અભિપ્રાયો જરૂરી રહેશે નહીં. ફક્ત જે તે રિવાઈઝ્ડ એન.એ.ના હેતુ માટેનો જ અભિપ્રાય જરૂરી રહેશે.