પોલીસ ગ્રેડ પે આંદોલન છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં એક સંવેદનશીલ મુદ્દો બની રહ્યો છે. ગ્રેડ પે મામલે પોલીસની ધીરજ હવે ચરમસીમા પર છે. અનેક વખત માગ કરવા છતાં પણ સરકાર પાસે માત્ર એક જ જવાબ છે કે ગ્રેડ પે અંગે ટૂંક સમયમાં જાહેરાત કરશે. સરકાર હવે નજીકના ભવિષ્યમાં જ પોલીસ કર્મચારીઓને ખુશખબર આપવા જઈ રહી છે.
બે દિવસ અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રીને પત્રકાર પરિષદમાં પુછાયેલા સવાલમાં પણ તેમણે જવાબ આપ્યો હતો કે ટૂંક સમયમાં ઉકેલ લાવવામાં આવશે. તપાસ સમિતિ દ્વારા સોંપાયેલા રિપોર્ટના આધારે ગૃહ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આખરી તબક્કામાં આ નિર્ણય હોવાની માહિતી વિશ્વાસપાત્ર માથાને આધારે મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગને તાકીદ કરીને તમામ ફાઈલ પોતાના સુધી મગાવી છે, જેને આગામી સપ્તાહમાં લીલી ઝંડી મળી શકે છે. આમ, પોલીસકર્મચારીઓ માટે સરકાર આગામી 15 દિવસમાં જ ખુશીના સમાચાર આપી શકે છે.
વર્ષ 2021ના ઓક્ટોબર માસમાં પોલીસ ગ્રેડ પે અંગે આંદોલન ચાલ્યા બાદ સરકારે તપાસ સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિની એક મુદત ડિસેમ્બર 2021માં પૂરી થયા બાદ ફરીથી એક વખત સમિતિની ટર્મ રિન્યુ કરી અને એપ્રિલ, 2022 સુધી કરવામાં આવી હતી. સરકાર જ્યારે વારંવાર કહે છે કે ટૂંક સમયમાં નિર્ણય જાહેર કરાશે ત્યારે સ્વાભાવિક છે કે નાણાં વિભાગને બજેટ માટે દરખાસ્ત મૂકવામાં આવી જ હોઈ શકે ત્યારેનાણાં વિભાગના જવાબદાર અધિકારીઓ કહી રહ્યા છે કે પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકાર તરફથી હજુ સુધી કોઈ દરખાસ્ત જ હજુ સુધી આવી નથી.
ગ્રેડ પે ન આપો ત્યાં સુધી ઇન્ટરિમ પેકેજ આપવું જોઈએ: સરકારને ભલામણ
સરકારને સમિતિએ તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટની અંદર અલગ અલગ રાજ્યોમાં અમલી ગ્રેડ પે સાથે ગુજરાતની સરખામણી કરવામાં આવી છે. ગુજરાતમાં પોલીસ માટે ગ્રેડ પે પ્રમાણમાં ઓછો છે, તેથી રિપોર્ટ સોંપતી વખતે ભલામણ કરવામાં આવી છે કે જ્યાં સુધી ગ્રેડ પે જાહેર ન કરવામાં આવે ત્યાં સુધી વચગાળાના પેકેજ જાહેર કરીને પોલીસકર્મચારીઓને લાભ આપવો જોઈએ. સરકાર દ્વારા ચૂંટણી પહેલાં પોલીસ પરિવારો માટે શુભ સમાચાર આપવાની વાતો કરે છે ત્યારે જો સરકાર પોલીસ ગ્રેડ પેમાં સુધારો નથી કરતી તો એવા સંજોગોમાં તપાસ સમિતિની ભલામણને આધારે પોલીસકર્મચારીઓને અપાતાં ભથ્થાં જેવાં કે વોશિંગ, સ્પેશિયલ ડ્યૂટી એલાઉન્સ, સાઇકલ એલાઉન્સ વગેરે હાલના સમયની મોંઘવારી અનુરૂપ નક્કી કરવામાં આવી શકે છે.