તારીખ 13થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર ઝંડો લહેરાવવા PMએ અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત આજે સુરતમાં બે કિલોમીટર લાંબી તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ પદયાત્રાને ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવી. સુરતની આ પદયાત્રાના કાર્યક્રમમાં CR પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, દર્શના જરદોષ, પુર્ણેશ મોદી સહિત કેન્દ્ર સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યાં છે. સુરતની ‘હર ઘર તિરંગા પદયાત્રા’માં નિવૃત્ત સૈનિકો પણ સામેલ થયા છે. એ સિવાય અનેક વિદ્યાર્થીઓ, ફાયરબ્રિગેડ, પોલીસ, પોલીસ બેન્ડ અને NCC પણ આ પદયાત્રામાં સામેલ થયા છે.
આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ‘આઝાદીના 75માં વર્ષે દેશમાં એકતાની લહેર જાગી છે. ગુજરાતના ઘરેઘરે તિરંગા લહેરાવવાના છે. આજે ફરી આઝાદી જેવો માહોલ નજરે પડી રહ્યો છે. તિરંગો ભેટમાં લેવાને બદલે તિરંગો ખરીદી ઘરે લહેરાવજો. સૌ ગુજરાતીઓ આ યાત્રામાં સહભાગી થાય તેવા પ્રયત્નો કરજો.’
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે, ‘ધ્વજ લહેરવાની સ્વતંત્રતા સહેલાઇથી નથી મળી. અનેક લોકોએ ગોળીઓ ખાધી છે જેલમાં જીવન વિતાવ્યું છે. દરેક ઘરે તિરંગો પહોંચે તેવી વ્યવસ્થા મોદીજીએ કરી છે. દરેક સરકારી ઓફિસે તિરંગો લહેરાશે. વિદ્યાર્થીઓ પોતાની જાતે તિરંગો લગાવે. તિરંગાનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં મુકો. એક કરોડ ધ્વજ ઓછાં પડશે. દરેક ધારાસભ્યને 20 હજાર તિરંગા વિતરણની વ્યવસ્થા કરાઇ છે.’
PM મોદીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, ‘આપણે આજે એ તમામ લોકોના સાહસ અને પ્રયાસોને યાદ કરીએ છીએ કે જેઓએ એ સમયે સ્વતંત્ર ભારત માટે એક ધ્વજનું સ્વપ્ન જોયું હતું કે જ્યારે આપણે વસાહતી શાસન વિરૂદ્ધ લડી રહ્યાં હતા. આપણે તેઓના સપનાને પૂર્ણ કરવાનું અને તેમના સપનાને ભારતનું નિર્માણ કરવાની પોતાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.’
www.harghartiranga.com વેબસાઈટ પણ શરુ કરાઇ
આ અભિયાન અંતર્ગત સંસ્કૃતિ મંત્રાલય દ્વારા www.harghartiranga.com વેબસાઈટ શરુ કરાઈ છે. આ વેબસાઈટ પર નાગરિકોએ તેમના યોગદાનને ચિહ્નિત કરવા માટે નામ અને નંબર લખ્યા બાદ લોગ ઈન કરીને પોતાના સરનામા પર વર્ચ્યુઅલ ફ્લેગ પિન કરવાનો રહેશે જે બાદ તેમના લોકેશન પર એક વર્ચ્યુઅલ ફ્લેગ ભારતના નકશામાં દેખાશે.
#harghartiranga સાથે અપલોડ કરવા અનુરોધ
આ ઉપરાંત ધ્વજ સાથે સેલ્ફી અપલોડ કરવા પણ નાગરિકોને અનુરોધ કરાયો છે, તેમ જ આ વેબસાઇટ વિશે જાગૃતિ ફેલાવવા માટેના અધિકૃત હેશટેગ #harghartiranga નો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. અભિયાન અંતર્ગત ૩૦ જુલાઈ સુધી ૪૦,૧૪,૯૩૩ નાગરિકોએ પોતાના લોકેશન પર ફ્લેગ પિન કર્યો છે. જ્યારે ૫,૭૯,૫૨૦ નાગરિકોએ ફ્લેગ સાથે સેલ્ફી અપલોડ કરી છે.