બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ તો સદીયો પહેલા જ નષ્ટ પામ્યો છે. જો કે હવે બાળકીને જન્મ પહેલા જ કોખમાં જ મારી નાખવાની કુપ્રથા ઘર કરી રહી છે. હાલમાં જ એક ચોકાવનારો કિસ્સો ઉત્તર ગુજરાતમાંથી સામે આવ્યો છે. જ્યાં નવજાત બાળકીને જન્મતાની સાથે જ જમીનમાં દાટી દેવામાં આવી હતી. જમીનમાથી નવજાત બાળકી મળી આવતા આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આવેલા ગાંભોઇ ખાતે ખેતરમાંથી દાટેલી નવજાત બાળકી મળી આવી છે. ખેતરમાં માટીમાં હલન ચલન થતું જોઈ ખેતર માલિકે ત્યાં તપસ કરી હતી. અને દાટેલા નવજાત શિશુના પગ હલતા જોઈ પોલીસને જાણ કરી. નજીકમાં આવેલી GEB કર્મચારીઓએ પણ ખેતરમાં પહોચી ગયા હતા. અને 108ની ટિમ પણ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમણે ખેતરમાં દાટેલ નવજાત શિશુ બહાર કાઢ્યું. નવજાત શિશુ જીવિત નીકળતા સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યું હતું. બાળક જન્મ્યા પછી તેની નાડ પણ કાપવામાં આવી નથી અને જન્મ પછી તરત જ તેને જમીનમાં દાટી દીધું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
નવજાત શિશુ ને ૧૦૮ માં ગાંભોઇ સરકારી દવાખાને લઇ ગયા. ગાંભોઈ પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યું. ગાંભોઈ પોલિસે ઘટના સ્થળે પોહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ નવજાત શિશુને અહીં કોણ દાટીને જતું રહ્યું અને તેની પાછળનું કારણ શું છે, તેને લઈને અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. જોકે, પોલીસ તપાસ પછી તમામ સવાલોના જવાબ મળી શકે છે.