વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પ સાથે કૃષિમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ સહિત અનેકવિધ નવા આયામો-સુધારા અમલી બનાવ્યા છે. વડાપ્રધાનના આ સંકલ્પને સાકાર કરવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી- કૃષિ વિમાનના મહત્તમ ઉપયોગ અંગેની નવી યોજના માટે કુલ રૂ.૩૫૦૦લાખની જોગવાઈ કરવામાં અવી છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કુલ ૧.૪૦ લાખ એકરમાં પાક સંરક્ષણ રસાયણો, નેનો યુરીયા,FCO માન્ય પ્રવાહી તેમજ જૈવિક ખાતરના છંટકાવની કામગીરી બે પધ્ધતિ દ્વારા અમલમાં મૂકવાનો ગુજરાત સરકાર દ્વારા ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું.
કૃષિક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેકનોલોજી-કૃષિ વિમાનના ઉપયોગની ૧૦૦% રાજ્ય પુરસ્કૃત યોજનાનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કરવામા આવ્યો હતો.
પ્રથમ યોજનામાં એટસોર્સ પદ્ધતિમાં કુલ રૂ.૧૨૦૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે જે અંતર્ગત ઇફ્કો સંસ્થા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવશે.જેના થકી ૧૫૦૦ એકરના બે થી ત્રણ ગામોના ક્લસ્ટર બનાવી નેનો યુરીયાનો છંટકાવ કરવામાં આવશે.જ્યારે બીજી યોજના અંતર્ગત આઈ-ખેડૂત પોર્ટલ પદ્ધતિમાં કુલ રૂ.૨૩૦૦લાખની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં આઈ-ખેડૂત પોર્ટલ મારફત લાભાર્થી ખેડૂતે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને વહેલા તે પહેલાના ધોરણે જિલ્લા તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવશે. આઈ-ખેડૂત પોર્ટલ ગત તા.૨૮ જુલાઈ ૨૦૨૨થી એક માસ સુધી ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું છે.