કોમનવેલ્થ ગેમ્સમાંભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત્ છે. અત્યાર સુધી ગેમ્સમાં ભારતને 9 ગોલ્ડ સહિત 26 મેડલ મળી ચૂક્યા છે. બજરંગ પૂનિયાની આગેવાનીમાં કુશ્તીના ખેલાડીઓએ નવમાં દિવસે કમાલનું પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ખેલાડીઓએ 3 ગોલ્ડ સહિત 6 મેડલ પોતાના નામે કર્યા હતા. બજરંગ સિવાય દીપક પૂનિયાઅને મહિલા કેટેગરીમાં સાક્ષી મલિકે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ ખેલાડીઓના પ્રદર્શનના દમ પર ભારત મેડલ ટેલીમાં ટોપ-5માં આવી ગયું છે. ભારતે અત્યાર સુધીમાં 9 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને તે પાંચમાં સ્થાને છે. ઓસ્ટ્રેલિયા 50 ગોલ્ડ મેડલ સાથે 140 મેડલ જીતી ટોચના સ્થાને છે.
ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ બજરંગ પૂનિયાએ 65 કિગ્રા વેટ કેટેગરીમાં બધા વિરોધીઓને પછાડ્યા હતા. આ પહેલા તેણે 2018માં ગોલ્ડ કોસ્ટમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ફાઇનલમાં તેણે કેનેડાના લાલચાન મેકનીલને 9-2થી હરાવ્યો હતો. ગેમ્સના ઇતિહાસમાં જોવામાં આવે તો ભારત કુશ્તીમાં 100થી વધારે મેડલ જીતી ચુક્યું છે.
કૉમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે મેડલનો વરસાદ થઇ રહ્યો છે. શુક્રવારે રેસલિંગમાં ટીમ ઇન્ડિયાએ સતત મેડલ જીત્યા છે અને અંતમાં દીપક પૂનિયાએ પાકિસ્તાનના રેસલરને હરાવીને પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેસલરને શુભેચ્છા પાઠવી છે.