ભારત માટે કોમનવેલ્થ ગેમ્સમાં છેલ્લા 2 દિવસ શાનદાર રહ્યા છે. આ કારણે મેડલ ટેલીમાં ભારતના 50 મેડલ પુરા થઇ ગયા છે. કુશ્તીમાં 12 ભારતીયો ઉતર્યા હતા અને બધાએ મેડલ જીત્યા છે. રવિવારે બોક્સિંગમાં નિકહત ઝરીન, નીતુ અને અમિત પંઘાલે ગોલ્ડ અપાવ્યો હતો. જ્યારે ટ્રિપલ જમ્પમાં એડોલ્સ પોલે ગોલ્ડ અને અબ્દુલા અબુ બાકરે સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સિલ્વર મેડલ જીત્યો હતો. મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારત અત્યાર સુધી 55 ગોલ્ડ મેડલ જીતી ચૂક્યું છે.
ટેબલ ટેનિસમાં શરત કમલે શ્રીજા સાથે મળીને મિક્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. રવિવારે ભારતીય ખેલાડીઓએ કુલ 15 મેડલ જીત્યા હતા. ટેબલ ટેનિસમાં આજે પણ મેડલ આવવાની આશા છે. અચંતા શરત કમલ સિંગલ્સની ફાઇનલમાં રમવા ઉતરશે. બેડમિન્ટનમાં પીવી સિંધૂ અને લક્ષ્ય સેન પણ ગોલ્ડ અપાવી શકે છે. પુરુષ હોકી ટીમ પણ ફાઇનલમાં પોતાનો દમ બતાવશે. ભારત હજુ વધારે ગોલ્ડ જીતી શકે છે.
મેડલ ટેલીની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાએ અત્યાર સુધી સૌથી વધારે 174 મેડલ જીત્યા છે. જેમાં 66 ગોલ્ડ, 55 સિલ્વર અને 53 બ્રોન્ઝ જીત્યા છે. બીજા સ્થાને રહેલા ઇંગ્લેન્ડે 55 ગોલ્ડ, 59 સિલ્વર અને 52 બ્રોન્ઝ સાથે 166 મેડલ જીત્યા છે. કેનેડા 26 ગોલ્ડ, 31 સિલ્વર અને 34 બ્રોન્ઝ સાથે 91 મેડલ જીતી ત્રીજા સ્થાને છે. ન્યૂઝીલેન્ડ 19 ગોલ્ડ, 12 સિલ્વર અને 17 બ્રોન્ઝ સાથે 48 મેડલ જીતી ચોથા સ્થાને છે. જ્યારે ભારત 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે 55 મેડલ જીતી પાંચમાં સ્થાને છે.
ભારતીય મહિલા હોકી ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતીય મહિલા હોકી ટીમનો કોમનવેલ્થના ઇતિહાસમાં ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતે 2002માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે 2006માં સિલ્વર મેડલ જીત્યો હતો. 16 વર્ષ પછી ભારતીય મહિલા હોકી ટીમ મેડલ જીતવા સફળ રહી છે.