બિહારમાં ફરી એકવાર JDU-BJP ગઠબંધન તૂટી શકે તેવા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોનું માનીએ તો એક-બે દિવસમાં JDU ભાજપથી અલગ થવાની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નીતીશ કુમાર આરજેડી, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને વૈકલ્પિક સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યા છે. જેડીયુ ભાજપ પર તેની પાર્ટી તોડવાનો આરોપ લગાવી રહી છે. તાજેતરમાં પાર્ટીમાંથી રાજીનામું આપનાર RCP સિંહ દ્વારા પાર્ટી તોડવાની કોશિશનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, નીતિશ કુમારની પાર્ટીના મોટાભાગના ધારાસભ્યો મધ્યસત્ર ચૂંટણી ઇચ્છતા નથી. આવી સ્થિતિમાં નીતિશ કુમાર આરજેડી, ડાબેરી મોરચો અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવા માટે વિકલ્પો શોધી રહ્યા છે.
બિહારમાં રાજકીય ગતિવિધિઓને જોતા આવતીકાલે પટનામાં આરજેડી ધારાસભ્યોની બેઠક યોજાવાની છે. JDU-BJP ગઠબંધનને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આ બેઠકને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે આરજેડીના તમામ સાંસદો પણ આજે સાંજ સુધીમાં પટના પહોંચી જશે.
કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સીએમ નીતિશ કુમારે કોંગ્રેસ નેતૃત્વનો સંપર્ક કર્યો છે. જોકે, સૂત્રોએ એ વાતનો ઇનકાર કર્યો હતો કે, નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે સીધી વાત કરી હતી. આરસીપી સિંહે રાજીનામું આપ્યું છે ત્યારથી તેઓ વિરોધ પક્ષમાં સક્રિય થઈ ગયા છે. બિહાર કોંગ્રેસના પ્રભારી ભક્ત ચરણ દાસે કહ્યું કે, તેઓ સ્વતંત્રતા દિવસ સંબંધિત કોંગ્રેસ પાર્ટીના સત્તાવાર કાર્યક્રમોમાં ભાગ લેવા માટે સત્તાવાર રીતે તાના જઈ રહ્યા છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, તેઓ રાજ્યમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર પણ નજર રાખશે.
નીતિશ કુમાર અને ભાજપ વચ્ચે ટકરાવની સ્થિતિ
છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ભાજપ વચ્ચે ટકરાવની સ્થિતિ સર્જાઈ છે તે પછી સતત સવાલો ઉભા થઈ રહ્યા છે કે, બિહારમાં એનડીએની સરકાર પડી જશે અને નીતિશ ફરીથી આરજેડી સાથે મળીને સરકાર બનાવશે. વાસ્તવમાં, જો આપણે છેલ્લા 1 મહિના પર નજર કરીએ તો લાગે છે કે, નીતિશ અને ભાજપ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું. એક મહિનામાં 4 વખત આવું બન્યું છે, જ્યારે નીતિશ કુમારે ભાજપમાંથી પોતાને દૂર રાખ્યા હોય.