બર્મિગહમમાં ચાલી રહેલ કોમનવેલ્થ ગેમ્સ 2022ના દસમા દિવસે એટલે કે 7 ઓગસ્ટનો દિવસ ભારત માટે બેસ્ટ દિવસ રહ્યો હતો. એ દિવસ ભારતના ખેલાડીઓએ 5 ગોલ્ડ મેડલ સહિત ખૂલ 15 મેડલ ભારતનાં નામે કર્યા હતા. એ સાથે જ ભારતના કુલ મેડલની સંખ્યા 50 ને વટાવી ગઇ હતી. બર્મિગહમમાં ભારત અત્યાર સુધી કુલ 18 ગોલ્ડ,15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ જીતી ગયું છે. 10માં દિવસે કોને કોને મેડલ જીત્યા. ચાલો જાણીએ..
ભારતીય મહિલા હોકી ટીમે બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી મેચ 1-1 થી બરાબર રહી હતી. આ પછી ભારતીય ટીમે શૂટઆઉટમાં 2-1થી જીત મેળવી હતી. ભારતીય મહિલા હોકી ટીમે 16 વર્ષ બાદ કોમનવેલ્થમાં મેડલ જીત્યો છે.
બોક્સિંગમાં નીતુએ મહિલાઓનાં 45-48 કિલો વજન વર્ગની ફાઇનલમાં ઇંગ્લિશ બોક્સર ડેમી જેડ રેઝટનને હરાવીને ગોલ્ડ જીત્યો હતો. તેણે આ મેચ એકતરફી રીતે જીતી હતી. પાંચ જજોએ સર્વસંમતિથી નીતુને 5-0થી વિજય જાહેર કરી હતી. મેન્સ ફ્લાયવેટ કેટેગરીની (48-51 કિગ્રા) ફાઇનલમાં અમિતે ઇંગ્લેન્ડના કિરન મેકડોનાલ્ડને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતે ઇંગ્લિશ બોક્સરને 5-0થી હરાવ્યો હતો.પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતીય એથ્લેટ એલ્ડોસ પૉલે 17.03 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. ટ્રિપલ જમ્પમાં ગોલ્ડ જીતનાર કોમનવેલ્થ ઇતિહાસમાં તે પ્રથમ ભારતીય બન્યો હતો.
પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારતના અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટરના જમ્પ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. તે ભારતનાં જ એલ્ડોસ પોલ કરતાં માત્ર .01 મીટર પાછળ રહ્યો હતો. પુરુષોની 10000 મીટર વોકમાં સંદીપે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે પોતાની રેસ 38:42.33 મિનિટમાં પૂરી કરી. કેનેડાના ઇવાન્સે 38.37.36 મિનિટમાં રેસ પૂરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં અન્નુ રાનીએ 60 મીટર દૂર બરછી ફેંકીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. અહીં ઓસ્ટ્રેલિયાની કેલ્સીએ 64 મીટરના અંતર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નિખત ઝરીને બોક્સિંગમાં મહિલાઓની 48-50 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ઉત્તરી આયર્લેન્ડના કાર્લીને એકતરફી મેચમાં હરાવી હતી. પાંચ જજોએ સર્વસંમતિથી નિખતને 5-0થી વિજેતા જાહેર કરી હતી.