રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પડી રહેલા સતત વરસાદના પગલે જળાશયોમાં નવા નિરની આવક યથાવત રહેવા પામી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજકોટના છ ડેમો સહિત સૌરાષ્ટ્રના 18 ડેમોમાં અર્ધોથી ત્રણ ફૂટ નવા નિરની આવક થઇ છે. ખાસ કરીને રાજકોટને પાણી પુરુ પાડતા ભાદર-1 ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન પોણા બે ફૂટ જેટલું નવું પાણી ઠલવાયું છે જેના કારણે ડેમની સપાટી 26 ફૂટે પહોંચી ગઇ છે.
આ ઉપરાંત મોજ ડેમમાં 0.39 ફૂટ, સુરવોમાં 3.12 ફૂટ, કરમાણમાં 0.33 ફૂટ, કર્ણુકીમાં 2.13 ફૂટ અને માલગઢ ડેમમાં 1 ફૂટ નવું પાણી આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાનાં 27 ડેમોમાં આજની સ્થિતિએ 70 ટકા જળજથ્થો સંગ્રહ થઇ ગયો છે. આ ઉપરાંત મોરબી જિલ્લાનાં મચ્છુ-1 ડેમમાં 0.39 ફૂટ, મચ્છુ-2માં 0.13 અને ડેમી-2માં 0.16 ફૂટ નવા નીર આવક થઇ છે. જ્યારે જામનગર જિલ્લાના ફૂલઝર-1માં 0.36 ફૂટ, ફૂલઝર-2માં પોણો ફૂટ અને ફૂલઝર (કોબા) ડેમમાં 0.16 ફૂટ નવા નિરની આવક થઇ છે. દરમિયાન દ્વારકા જિલ્લાના પાંચ ડેમોમાં નવા નિર આવ્યા છે