ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે સ્વાઇનફ્લુએ પણ ફુફાડો મારતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. શહેરમાં બે દિવસમાં બે દિવસમાં સ્વાઇનફ્લુ પોઝિટિવના બે કેસ નોંધાયા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. જાે કે, બંને દર્દીની સ્થિતિ સુધારા પર છે અને અન્ય કોઇ નવા કેસ નહીં મળી આવતા હાશકારો જાેવા મળી રહ્યો છે.
ભાવનગર શહેરમાં જાન્યુઆરી-૨૦૨૨થી લઇ આજ સુધીમાં સ્વાઇનફ્લુના ચાર કેસ નોંધાયા છે જેમાં જાન્યુઆરી અને જુલાઇ મહિનામાં એક-એક કેસ નોંધાયેલ. જ્યારે ચાલુ ઓગસ્ટ મહિનામાં ગત તા.૩ના શહેરના ઇસ્કોન મેગાસીટીમાં રહેતા ૫૧ વર્ષીય મહિલાને સ્વાઇનફ્લુના લક્ષણો જણાતા ટેસ્ટ કરવામાં આવ્યો હતો જે પોઝિટિવ જણાયેલ. જ્યારે બીજા જ દિવસે શહેરના અન્ય વિસ્તાર સુભાષનગરમાં ૨૧ વર્ષીય યુવાનને પણ સ્વાઇનફ્લુના લક્ષણો જણાતા તેનો ટેસ્ટ કરાયેલ જે પણ પોઝિટિવ આવ્યો હતો. આ બંને દર્દીઓને સારવાર આપ્યા બાદ સ્થિતિ સુધરતા હોસ્પિટલમાંથી રજા આપી દેવાઇ છે. પરંતુ સ્વાઇનફ્લુએ દેખા દેતા આરોગ્ય તંત્ર સતર્ક બની ગયું છે અને કેસ નોંધાયો તે પરિવાર તેમજ તે વિસ્તારના આજુબાજુના ૧૦૦ ઘરમાં સર્વેલન્સ હાથ ધરાયું હતું.
કોરોનાની જેમ જ શ્વાસોશ્વાસથી ફેલાય છે સ્વાઇનફ્લુ
આજથી લગભગ પાંચેક વર્ષ પૂર્વે સ્વાઇનફ્લુના રોગચાળાએ હાહાકાર ફેલાવ્યો હતો તે સમયે કોરોનાનું નામો-નિશાન ન હતું. સ્વાઇનફ્લુની બિમારી વૈશ્વિક બની હતી. આ રોગચાળો માસ આરોગવાથી થાય છે તેવું તારણ સામે આવ્યું હતું. સ્વાઇનફ્લુથી બચવા માનવજાતે અનેક નુસખા અજમાવેલા, વિદેશમાં તો હજારો મરઘાઓને મોતના મુખમાં ધકેલી દેવાયા હતાં. સ્વાઇનફ્લુ પણ કોરોનાની જેમ શ્વાસોશ્વાસથી ફેલાતો ચેપી રોગ છે. જાે કે, હવે સ્વાઇનફ્લુને સામાન્ય ફ્લુ એટલે કે તાવ ગણવામાં આવે છે.