સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જળમાર્ગે જાેડતી અને વડાપ્રધાન મોદીનું દિવા સ્વપ્ન એવી રો-રો ફેરી સર્વિસ ગત ૨૫મી જુલાઇથી એકાએક બંધ કરાઇ છે. શરૂઆતમાં ફેરી સર્વિસનું શીપ મરામત માટે ગયું છે અને ૮ ઓગસ્ટથી રાબેતા મુજબ સેવા શરૂ થશે તેમ કહેવાતું હતું બાદમાં ૧૫ ઓગસ્ટની નવી મુદત આવી હતી પરંતુ આજે વધુ એક મુદત પડી છે જેમાં સત્તાવાર રીતે ૨૫મી ઓગસ્ટ નવી તારીખ જાહેર થઇ છે. જાે કે, ૨૫મીએ રિપેરીંગ થઇ જશે તો જ ચાલશે તેમ પણ સ્પષ્ટતા કરાઇ છે. આમ ફેરી સર્વિસ ૨૫મીથી ચાલે તો ચાલે… તેમ કહેવું ખોટું નહીં ગણાય.
સરકારે કરોડો રૂપિયા ખર્ચીને ઘોઘા દહેજ અને બાદમાં ઘોઘાથી સુરત વચ્ચેની આ ફેરી સર્વિસનો પ્રારંભ કર્યો છે. સમયાંતરે ફેરી સર્વિસમાં વિઘ્નો આવતા રહ્યા છે. ગત તા.૨૫ જુલાઇથી ફેરી સર્વિસ સંચાલક કંપની ઇન્ડિગો સિવેજ દ્વારા એકાએક સેવા બંધ કરી દેવાઇ છે અને ફેરીમાં ચાલતું જહાજ રિપેરીંગ માટે મોકલાયું હોવાનું કહેવાય છે. જાે કે, સત્તાવાર કોઇ જાહેરાત કરવા કંપની આગળ આવી ન હતી. દરમિયાનમાં ૮ ઓગસ્ટથી ફેરી સર્વિસનો પુનઃ પ્રારંભ થવાનો હતો તે થઇ શક્યો નથી. જ્યારે ૧૫ ઓગસ્ટની વધુ એક મુદત જાહેર કરાઇ હતી. પરંતુ હવે ૨૫મીથી ફેરી સર્વિસ શરૂ થાય તો થાય તેમ કહેવાય છે.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે રક્ષાબંધન છે તેમજ શ્રાવણી તહેવારોની મૌસમ પણ શરૂ થવામાં છે ત્યારે મુંબઇ અને સુરતથી અનેક પ્રવાસીઓ ફેરી સર્વિસ મારફત વતન ભાવનગર આવવા ઇચ્છી રહ્યા છે પરંતુ સમયે જ ફેરી સર્વિસ બંધ થતા ફેરીમાં પ્રવાસ ખેડવાની લોકોની ઇચ્છા પર પાણી ફરી વળ્યું છે. તહેવારોના દિવસોમાં જ સેવા ખુચવાતા પ્રવાસી વર્ગમાં કચવાટ સાથે રોષ જાેવા મળી રહ્યો છે.