શિક્ષણ જગતને લાંછન લગાડતી શરમજનક ઘટના ગીરગઢડાના અંબાડા ગામે આવેલી સરકારી પ્રા.શાળામાં પ્રકાશમાં આવેલ જેમાં ગત ૨૮ જુલાઇ ૨૦૨૨ના રોજ સ્પોર્ટ શિક્ષક દ્વારા શાળાની વિદ્યાર્થીની સાથે અડપલા કરેલ હોય આ બાળાએ પોતાના વાલીને આ સમગ્ર બનેલી ઘટના વર્ણેલી અને ત્યાર બાદ વાલી દ્વારા શાળાના આચાર્યને શાંતિલાલ નાંડોળાને ટેલીફોનિક જાણ કરી હતી. ત્યાર બાદ આચાર્ય દ્વારા વાલીને ફોન કરી ઘરે આવવા જણાવ્યુ હતું. જેનો વાલીઓએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. અને રોષ વ્યક્ત કરેલ હતો.
૮ ઓગષ્ટ ૨૦૨૨ના વિદ્યાર્થીની માતાએ ગ્રામ પંચાયતના સભ્યને લેખીત રજુઆત કરી જણાવ્યુ હતું કે, સ્પોર્ટ્સ શિક્ષક રીસેશ સમય દરમ્યાન ધો. ૫ માં અભ્યાસ કરતી ૧૦ વર્ષની વિદ્યાર્થીનીને ક્લાસ વર્ગમાં બોલાવી શારિરીક અડપલા કરે છે. જે બાબતે વર્ગ શિક્ષકને જાણ કરતા કાર્યવાહી કરવામાં આવી નથી. અને શાળાના આચાર્યને વાત કરેલ પણ તમામ ઘટના દબાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. આજ દિન સુધી કોઇ કાર્યવાહી થયેલ નથી. અને ભોગ બનનાર દિકરી માનસીક રીતે પીડાય છે. શાળાએ જતાં ભય અનુભવે છે. આ શિક્ષક શાળામાં રહેશે તો ભવિષ્ય માટે જોખમી બની રહેશે જેથી ન્યાય આપવા અંગે પંચાયતના સભ્યને જાણ કરતા આ બાબતે ગ્રામ પંચાયત દ્રારા આચાર્યને લેખિતમાં શિક્ષક પર પગલા ભરવા અંગે રજુઆત થયેલ અને ત્યાર બાદ આચાર્ય રજા પર ચાલ્યા ગયા હતા.
10 ઓગષ્ટના સવારે અંબાડા ગામની સરકારી પ્રાથમિક શાળા ખુલતા ગ્રામ પંચાયતના સરપંચ સભ્ય અને ગ્રામજનો શાળાએ દોડી ગયેલા અને ધો.૫ ની વિદ્યાર્થીની સાથે અડપલા કરનાર સ્પોર્ટના શિક્ષક નિહાર બારડને જોતા લોકો ઉશ્કેરાઇ જઇ આક્રોશમાં આવી ગયા હતા. અને શાળામાં જ આરોપી શિક્ષક વાલીઓ અને ગ્રામજનોની માફી માગવા લાગેલ પરંતુ લોકો એટલા આક્રોશમાં આવી જતાં શિક્ષકને પકડીને સારી રીતે ધોલાઇ કરતા તેને બચાવો મુશ્કેલ બનેલ હતો. અને ત્યાર બાદ પોલીસને જાણ કરતા ગીરગઢડા પી એસ આઇ જે બી ડાંગર પોલીસ કાફલા સાથે શાળાએ દોડી આવ્યા હતા. અને વાલીઓ અને ગ્રામજનોની વાત સાંભળીને કાયદાકીય પગલા ભરવાની ખાતરી આપી હતી.
શાળામાં બનેલ શારિરીક અડપલાની ઘટના બાદ જનેતાઓમાં રોષની લાગણી જોવા મળતી હતી. અને ઇ.ચાર્જ આચાર્ય તેમજ ગ્રામ પંચાયતના સત્તાધીશોને જણાવેલ હતુ કે આચાર્ય શાંતિલાલ તેમજ લંપટ સ્પોટ્સ શિક્ષક નિહાર બારડ સામે શિક્ષાત્મક પગલા શિક્ષણ વિભાગ દ્વારા નહી ભરવામાં આવે તો અમે અમારી દિકરોઓને શાળાએ ભણવા નહી મોકલીએ.