વિશ્વ જૈવ ઇંધણ દિવસના પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે હરિયાણાનાં પાણીપતમાં બીજી પેઢીનાં (2જી) ઇથેનોલ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, કેન્દ્રીય મંત્રીઓ નરેન્દ્રસિંહ તોમર, હરદીપ સિંહ પુરી, રામેશ્વર તેલી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રીએ વિશ્વ જૈવઇંધણ દિવસના પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી હતી. ઈથેનોલ પ્લાન્ટને માત્ર એક શરૂઆત ગણાવતા તેમણે કહ્યું કે આ પ્લાન્ટથી દિલ્હી, હરિયાણા અને એનસીઆરમાં પ્રદૂષણ ઓછું થશે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨ માં હરિયાણાની પુત્રીઓ અને પુત્રો દ્વારા શાનદાર પ્રદર્શન કરવા બદલ હરિયાણાને અભિનંદન પણ આપ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “આજે જ્યારે આપણે આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ કરી રહ્યાં છીએ, ત્યારે દેશ એ લક્ષ્યાંક પર પણ કામ કરી રહ્યો છે કે, આગામી થોડાં વર્ષોમાં દેશમાં 75 ટકાથી વધારે કુટુંબોને પાઇપ દ્વારા ગેસ મળશે.”
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જો સરકાર પાસે નાણાં નહીં હોય, તો ઇથેનોલ, બાયોગેસ અને સોલર પ્લાન્ટ્સ જેવાં પ્લાન્ટ્સ પણ બંધ થઈ જશે. “આપણે યાદ રાખવું પડશે કે ભલે આપણે ત્યાં નહીં હોઈએ, પરંતુ આ રાષ્ટ્ર હંમેશાં ત્યાં રહેશે, તેમાં રહેતા બાળકો હંમેશાં ત્યાં હશે. જેમણે આઝાદી માટે પોતાનાં જીવનનું બલિદાન આપ્યું, તેમણે પણ આ સનાતન ભાવના સાથે કામ કર્યું છે. એક દેશ તરીકે, આપણે પ્રતિજ્ઞા લેવી પડશે કે આપણે આવી વૃત્તિઓને વધવા દઈશું નહીં. આ દેશની સામૂહિક જવાબદારી છે.” એમ તેમણે ભાર મૂક્યો હતો.
પ્રધાનમંત્રીએ કહ્યું કે અમૃત મહોત્સવ દરમિયાન જ્યારે આખો દેશ ત્રિરંગાના રંગમાં રંગાઈ જાય છે, ત્યારે જે બન્યું છે તેના તરફ તેઓ દેશનું ધ્યાન દોરવા ઈચ્છે છે. આ પવિત્ર પ્રસંગને બદનામ કરવાનો, આપણા વીર સ્વાતંત્ર્ય સેનાનીઓને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવા લોકોની માનસિકતાને સમજવી જરૂરી છે. તેમણે કહ્યું કે આપણા દેશમાં પણ કેટલાક લોકો એવા છે જે નકારાત્મકતાના વમળમાં ફસાયેલા છે, નિરાશામાં ડૂબેલા છે. સરકાર સામે જૂઠું બોલ્યા બાદ પણ જનતા આવા લોકો પર વિશ્વાસ કરવા તૈયાર નથી. આવી નિરાશામાં આ લોકો કાળા જાદુ તરફ પણ વળતા જોવા મળે છે.