આઝાદી કા અમૃત મહોત્સવની દેશભરમાં ઉજવણી ચાલી રહી છે. જે અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે ત્યારે દરેક વ્યક્તિ પોતાના ઘરે તિરંગો લહેરાવે એ માટે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરુપે આજે સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાઇકલ અને બાઇક રેલી સાથે લોકો એક હાથમાં રાષ્ટ્રધ્વજ અને દેશભક્તિના ગીત પર ઝૂમતા જાેવા મળ્યા હતા. તિરંગા યાત્રા દરમિયાન ભારત માતાકી જયનો નાદ ગુંજી ઉઠયો હતો. આ ઉપરાંત આ અભિયાન અંતર્ગત વિધાર્થીઓ માટે પણ ઘણી જગ્યાએ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજુ આવનારા દિવસોમાં પણ અલગ-અલગ સ્થળ પર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં મુખ્યમંત્રી સહિતના આગેવાનો જાેડાશે.અમરેલી શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વેગ પકડી રહ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૨મી ઓગસ્ટે ‘તિરંગા યાત્રા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ તિરંગા યાત્રા સવારે ૯ કલાકે સિનિયર સિટિઝન્સ પાર્કથી પ્રસ્થાન કરશે. આ યાત્રા વિવિધ માર્ગો પર ભ્રમણ કરી અને દેશભક્તિના ગીતોના તાલે પરત સિનિયર સિટિઝન્સ પાર્ક પર આવી સમાપ્ત થશે.