પોરબંદરનું એક ૫૦૦ ટનનું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાન ખાતે માલસામાન ઉતારી પોરબંદર પરત ફરતું હતું ત્યારે લોઢ લોઢ ઉછળતા મોજાના પાણી વહાણમાં ભરાઈ ગયાં હતાં. જેથી આ વહાણે જળસમાધિ લઈ લીધી હતી. આ બનાવમાં એક ક્રૂ મેમ્બર દરિયામાં ગરકાવ થઈ ગયો હતો જ્યારે અન્ય નવ ક્રૂ મેમ્બરોને ત્યાંથી પસાર થતા ગેસશીપના ટેન્કરે બચાવી લીધા છે અને તેઓને દુબઈ લઈ જવામાં આવી રહ્યા છે.
‘જમના શિપિંગ નામની પેઢીની માલિકીનું ‘જમના સાગર’ નામનું ૫૦૦ ટનનું અને અંદાજે પોણા બે કરોડની કિંમત ધરાવતું વહાણ દુબઈથી ટાયર ભરીને ઈરાના ચોબાર બંદરે ગયું હતું અને ત્યાંથી આ માલ ખાલી કરીને પોરબંદર આવી રહ્યું હતું. દસ ક્રૂ મેમ્બર સાથે ઈરાનથી રવાના થયેલું વહાણ તા. ૯/૮ના દોઢેક વાગ્યે પસણી અને ગ્વાદારની વચ્ચે કિનારાથી આશરે ૧૦૦ નોટિકલ માઇલ દૂરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જ તોફાની સમુદ્રના લોઢ લોઢ ઉછળતા મોજાને લીધે સમુદ્રનાં પાણી વહાણમાં ભરાવા લાગ્યા હતા અને આ વહાણ ડૂબવા લાગ્યું હતું.
વહાણના કેપ્ટને ડૂબી રહેલાં વહાણ વિશેની જાણ તેના માલિકને કરી હતી અને જમના શિપિંગ કંપનીના માલિકે ડૂબી રહેલા વહાણની જાણ મુંબઈ ખાતે આવેલા એમ.આર.સી.સી.(મેરીટાઇમ રેસક્યુ કો-ઓર્ડિનેશન સેન્ટર)ને કરી હતી. એમ.આર.સી.સી. દ્વારા તપાસ હાથ ધરીને નજીકથી પસાર થતી ગેસશીપ ટેન્કર એમ.ટી. ક્રૂઈબેકને જાણ કરવામાં
આવી હતી અને ડૂબી રહેલા વહાણના ખલાસીઓને બચાવવા જણાવ્યું હતું. આથી આ ગેસશીપ તાત્કાલિક લોકેશન શોધીને ત્યાં પહોંચી ગઈ હતી’ અને તેમના કેપ્ટન દ્વારા યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. શીપના કેપ્ટને ઓપરેશન હાથ ધર્યું તે દરમિયાન નવ ખલાસીઓને બચાવવા સફળતા મળી હતી પરંતુ શેખ હુસેન અલીમામદ નામનો એક ખલાસી તોફાની સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો. હજુ સુધી તેની શોધખોળ હાથ ધરવામાં આવી પરંતુ પતો મળ્યો નથી.