જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા પાસે આવેલી એલન્ટો હોટલમાં ગઇકાલે મોડી સાંજે આગ લાગ્યાની ઘટના બન્યા પછી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, અને જામનગર- સિક્કા- મોટી ખાવડી સહિતના વિસ્તારમાંથી ફાયર ફાઈટરો દોડી ગયા હતા. જયારે ૧૦૮ની ૯ એમ્બ્યુલન્સ તેમજ અન્ય કંપનીઓની ૮ જેટલી એમ્બ્યુલન્સોને તૈનાત રાખવામાં આવી હતી. ત્રણ કલાકની ભારે જહેમત પછી આગ કાબુમાં આવી ગઈ હતી. ઉપરાંત હોટલમાં રોકાયેલા લોકાને બચાવી લેવાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
જામનગર નજીક સિક્કા પાટીયા પાસે આવેલી એલન્ટો હોટલમાં ગઇકાલે મોડી સાંજે ૭.૪૫ વાગ્યાના અરસામાં હોટલના પાર્કિંગના એરિયામાં ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થયા પછી આગ લાગી હતી, અને થોડી વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
આગના કારણે હોટલના પાંચેય માળ સળગવા લાગ્યા હતા, અને દૂર સુધી આગના લબકારા દેખાતા હતા. તેથી ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાની જાણ થતાં સૌપ્રથમ સિક્કા ડીસીસી કંપનીનું ફાયર ફાઈટર, તેમજ આસપાસની કંપનીઓમાંથી ફાયર ફાઈટર દોડ્યા હતા, જ્યારે જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડીઓ પણ દોડતી થઈ હતી, અને સતત ત્રણ કલાકની જહેમત પછી આખરે આગને કાબુમાં લઈ લીધી હતી, પરંતુ આગના કારણે હોટલનો મોટો હીસ્સો બળીને ખાખ થયો હતો, ઉપરાંત પાર્કિંગમાં રહેલી ત્રણ કાર અને બે થી ત્રણ સ્કૂટર સહિતના વાહનો પર ભસ્મીભુત થયા હતા.
આગજનીની ઘટના સમયે અનેક લોકો અંદર ફસાયા હોવાની જાણકારી મળતા તંત્ર દોડતું થયું હતું, અને જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડા સહિત તમામ સરકારી એજન્સીઓ દોડતી થઈ હતી, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. અને ૧૦૮ની ટીમો પણ તૈયાર રાખવામાં આવી હતી, તેમજ ત્રણ વ્યક્તિઓને ધુમાડાથી ગુંગળાઈ જવાના કારણે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આગના બનાવને લઇ આસપાસના સ્થાનિકો લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. તેમજ હાઈવે રોડ પરથી પસાર થઇ રહેલ વાહનો થંભી જતાં ટ્રાફીક જામ થઇ ગયો હતો. જયારે બીજી બાજુ ફસાયેલા લોકોને ધ્યાને લઇ જી.જી. હોસ્પિટલમાં ડોકટરોની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી.
ત્રણ કલાકની જહેમત બાદ સંપૂર્ણ આગ કાબુમાં આવી ગઇ હતી. જાેકે હોટલના પ્રત્યેક રૂમમાં ફાયર વિભાગની ટીમ દ્વારા બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આગમાં કેટલું નુકસાન થયુું તે અંગે પણ આકરણી કરવામાં આવી રહી છે. ફાયરની ટીમ તેમજ ૧૦૮ની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જતા મોટી જાનહાની ટળી હતી. જેને લઇ તમામ તંત્રએ હાશકારો લીધો હતો.