આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. આ વખતનો સ્વતંત્રતા પર્વ હંમેશને માટે યાદગાર બની રહેશે કારણ કે પહેલી વાર એવુ બનશે કે જ્યાં નજર પહોંચે ત્યાં આપણા દેશનો તિરંગો ગર્વની લહેરાતો દેખાશે. આ સ્વતંત્રતા પર્વ યાદગાર એટલે પણ બની રહેશે કારણ કે ક્યારેય ન બન્યુ હોય તેવા કાર્યક્રમોનું આ વખતે આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈ આજે પાવાગઢ મંદિરમાં પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે.
યાત્રાધામ પાવાગઢ મંદિરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રથમ વખત આરતી બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું છે. માતાજીના દર્શન કરવા આવેલા ભક્તોએ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રગીત ગાયું છે. માતાજીની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ રાષ્ટ્રધ્વજ સાથે રાષ્ટ્રગીત ગાયું હતું. જેથી પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ છવાયો હતો.
મોઢેરા સૂર્ય મંદિર ખાતે પણ લહેરાવાશે તિરંગો
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 13 થી 15 ઑગષ્ટ સુધી આ અભિયાન અંતર્ગત દરેક ઘરમાં તિરંગો લહેરાવાશે. જેને લઈ મોઢેરા સૂર્યમંદિર ખાતે 15મી ઑગષ્ટના રોજ આ વખતે પહેલીવાર ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે. આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના હસ્તે ધ્વજવંદન કરાશે. 12 બાય 8ની સાઇઝનો તિરંગો ફરકાવવામાં આવ્યો. જે હરહંમેશ માટે કાયમી ધોરણે સૂર્ય મંદિર ખાતે જ રખાશે. મહત્વનું છે કે અત્યાર સુધી સૂર્યમંદિર ખાતે વિશ્વ યોગ દિવસ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે અહીં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાશે. ત્યારે આ અવસર આ વખતે યાદગાર બની રહેશે.