સુપ્રીમ કોર્ટે નીચલી અદાલતોને જાતીય સતામણીની પીડિતાઓને લઈને એક સૂચક નિવેદન આપ્યું હતું જે હાલના સંજોગોમાં ન્યાય વ્યવસ્થા માટે ઘણું મહત્વનું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમામ અદાલતોએ આ બાબતે વધારે સંવેદનશીલ રહેવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તમામ નીચલી અદાળતોએ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે યૌન ઉત્પીડનના કિસ્સાઓમાં પીડિતાઓને લાગેલ આઘાતની સ્થિતિ, તેમની સામાજિક શરમ અને કલંકની માન્યતા સંબંધે વધારે સંવેદનશીલ રહેવામાં આવે.
સુપ્રીમે કહ્યું હતું કે આ પ્રકારનાં કેસમાં અપરાધીઓને પીડિતાની સામેલ લાવવાની પ્રક્રિયા પણ કષ્ટદાયક ન હોવી જોઈએ. એવા કિસ્સાઓમાં કે જ્યાં પોલીસ આ પ્રકારનાં અપરાધોની ફરિયાદનું સમાધાન કરાવવામાં નિષ્ફળ જાય છે ત્યાં ખાસ કોર્ટનું દાયિત્વ વધી જાય છે અને શક્ય હોય ત્યાં સુધી એક જ બેઠકમાં (હિયરિંગમાં) કોર્ટે ઉલટતપાસ પૂરી કરવી જોઈએ.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ફરિયાદીને માટે પોલીસ ભયમુક્ત વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરે એ પણ આવશ્યક છે. સુપ્રીમે કહ્યું હતું કે કે પીડિતાએ માત્ર ફરિયાદ નોંધાવવા અને ખાસ કરીને પ્રથમ દ્રષ્ટીએ કોગ્નિઝેબલ ગુનો દાખલ કરવા માટે અહીંથી ત્યાં દોડવું ન પડે તેની કાળજી રાખવામાં આવે એ પણ જરૂરી છે. કોર્ટને ઘણી મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે.
જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જેબી પારડીવાલાની બેન્ચે તેના તાજેતરના ચુકાદામાં આ સંદર્ભમાં નીચલી અદાલતોને ઘણા મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. બેન્ચે કહ્યું હતું કે નીચલી અદાલતોનું એ દાયિત્વ છે કે પોતાની સામે પીડિત વ્યક્તિ સાથે યોગ્ય વર્તન કરવામાં આવે. બેન્ચે કહ્યું હતું કે અમે એક વખત ફરી યૌન ઉત્પીડનની ફરિયાદો સામે અદાલતોને સંવેદનશીલ રહેવાનાં મહત્વનું પુનરાવર્તન કરીએ છીએ. સર્વોચ્ચ અદાલતનો આ નિર્ણય મધ્ય પ્રદેશની એક કથિત દુષ્કર્મ પીડિતાની અપીલ મુદ્દે આવ્યો હતો.
બંધ રૂમમાં કાર્યવાહીની પરવાનગી પણ આપવી
બેન્ચે કહ્યું હતું કે આ પ્રકારનાં કેસમાં બંધ બારણે કાર્યવાહીની પરમીશન આપવી જોઈએ. નીચલી અદાલતોએ એક સ્ક્રીન લગાવવા માટેની પરવાનગી આપવી જોઈએ જેથી એ નક્કી થઈ શકે કે મહિલા નિવેદન આપતી વખતે આરોપીને જોઈ શકે નહીં. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે પીડિતા સાથે આરોપીનાં વકીલે પણ સન્માનજનક રીતે વાત કરવી જોઈએ અને તેણીનાં અગાઉનાં શારીરિક સંબંધોની તપાસ કરતી વખતે અયોગ્ય સવાલ ન પૂછવા જોઈએ અને માનમર્યાદા જળવાય તે રીતે વાતચીત થવી જોઈએ.