સમગ્ર ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદી માહોલ વચ્ચે અલગ અલગ તાલુકાઓમાં છૂટો છવાયો હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ગઈકાલે સોમવારે પણ ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે ઝાપટાથી લઈને બે ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
ભાવનગર જિલ્લામાં ગઇકાલે સોમવારે સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને બપોરના સમયે મેઘરાજાનું આગમન થયું હતું સિહોર શહેર તથા પંથકના ગામડાઓમાં બપોરથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો જે સાજ સુધી પડયા બાદ રાત્રે પણ વરસાદ પડતાં સિહોરમાં બે ઇચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ઉમરાળા પંથકમાં પણ સોમવારે ધોધમાર એક ઇંચ વરસાદ પડયો હતો.
જયારે ભાવનગર શહેરમાં બપોરે ત્રણેક વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો અને રાત્રી સુધી હળવો ભારે વરસાદ શરૂ રહ્યો હતો પરિણામે એક ઈચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત વલભીપુર અને ઘોઘા પંથકમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો જ્યારે અન્ય તાલુકાઓમાં હળવા ભારે ઝાપટાં પડયા હતા. સોમવારે બપોર બાદ વરસાદી માહોલના કારણે બજારમાં ભીડ ઓછી જાેવા મળી હતી. જ્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામેલ.
બોક્સ
મહુવામા સિઝનનો ૧૦૦% વરસાદ
ભાવનગર જિલ્લાનો સરેરાશ વરસાદ ૬૫.૭૮% થયો
ભાવનગર જિલ્લામાં ચોમાસાની શરૂઆત થઈ જ મહુવા તાલુકામાં સારો વરસાદ પડી રહ્યો છે અને સમયાંતર ના પડી રહેલા વરસાદથી પ્રારંભથી જ વરસાદની ટકાવારીમાં મહુવા તાલુકો અગ્રેસર રહ્યો છે ગઈકાલે પડેલા વરસાદથી મહુવા તાલુકામાં સિઝનનો સો ટકા વરસાદ થઈ જવા પામ્યો છે મહુવા પંથકના જળાશયો પણ ઓવરફ્લો થઈ ગયા છે. ભાવનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ ઘોઘા પંથકમાં ૩૬.૭૨% નોંધાયો છે જિલ્લાનો અત્યાર સુધીનો સરેરાશ વરસાદ ૬૫.૭૮% થયો છે.