ભાવનગરના જ્વેલ્સ સર્કલ નજીક રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વેપારી યુવાનનું ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને ગઠિયાએ ફોન કરી ઓ.ટી.પી. મેળવ્યા બાદ વેપારીના ખાતામાંથી ત્રણ વખત ટ્રાન્જેક્શન કરી રૂપિયા ૨,૯૮,૯૯૪ ટ્રાન્સફર કરી લેતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરના જ્વેલ્સ સર્કલ નજીક આવેલા ઇસ્કોન ક્લબ રોડ નજીક આવેલ ક્રિષ્ના કાઈ ફ્લેટ ખાતે રહેતા અને મસાલાનો વ્યવસાય કરતા વિનોદભાઈ ગણપતભાઈ પંચાલે નીલમબાગ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમના મોબાઈલ ઉપર મોબાઈલ નંબર ૬૩૯૫૯૨૨૪૦૫ પરથી ફોન આવ્યો હતો કે તમારું ક્રેડિટ કાર્ડ બંધ કરવાનું છે, ત્યારે વિનોદભાઈએ હા કહેતા અજાણ્યા મોબાઈલ ધારકે અલગ અલગ રીતે ત્રણ વખત ઓટીપી મંગાવ્યા હતા.
ઓટીપી ત્રણ વખત મેળવી અજાણ્યા મોબાઇલ ધારો કે વિનોદભાઈને જણાવ્યું હતું કે તમારું ક્રેડિટ કાર્ડ હવે બંધ થઈ ગયું છે તેમ કહી ફોન બંધ કરી દીધો હતો. દરમિયાનમાં વિનોદભાઈના એકાઉન્ટમાંથી કટકે કટકે ત્રણ વખત રૂપિયા ૨,૯૮,૯૯૪ નું ટ્રાન્ઝેક્શન થયું હતું. ક્રેડિટ કાર્ડ બંધ કરવાના બહાને અજાણ્યો શખ્સ છેતરી ગયો હોય વિનોદભાઈએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.