ભાવનગરના મહુવા ખાતે ૭૬ માં સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાન સાથેની ઉજવણી પારેખ કોલેજના ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાના પ્રભારી અને વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ ધ્વજવંદન કરી, સલામી ઝીલી, પરેડનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પણ જાેડાયાં હતાં. આ અવસરે વિશ્વ વંદનીય સંત મોરારીબાપુ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યાં હતાં.
આ તકે પ્રભારીમંત્રીએ જણાવ્યું કે, આપણે સમગ્ર વર્ષ ‘આઝાદી અમૃત મહોત્સવ’ની વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરી છે. છેલ્લાં ત્રણ દિવસથી આપણે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કરેલાં આહવાનને પગલે આપણાં ઘર, કચેરી, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, ઔદ્યોગિક ગૃહો આ દરેકે – દરેક જગ્યાએ તિરંગો લહેરાવીને માં ભારતીનું ગૌરવ ગાન કર્યું છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ એક ઝાટકે પોતાનું રાજ્ય સૌથી પહેલાં રાષ્ટ્રને ચરણે ધરી દીધું હતું. સરદાર વલ્લભભાઇ પટેલે ૫૬૨ રજવાડાઓ એક કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. તો ગાંધીજીએ આખી આઝાદીની લડતનું નેતૃત્વ લીધું હતું. આવાં વીર સપૂતો થકી જ રાષ્ટ્ર એકતાના તાંતણે બંધાયું છે. ત્યારે આવાં મહાનુભાવોના સત્કર્મોને યાદ કરી હું તેમને નતમસ્તક વંદન કરું છું.
મંત્રીએ એર એમ્બ્યુલન્સ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ગુજરાત માટે આશીર્વાદરૂપ બની છે.કોરોનામાં વ્યાપક રસીકરણ કરીને કોઈપણ ભૂખ્યો ન સુએ તેની સરકારે ચિંતા કરી હતી. દર શુક્રવારે બિન ચેપી રોગોનો નવતર અભિગમ અપનાવી ત્રણ કરોડ લોકોને આ યોજના હેઠળ આવરી લીધાં છે. ખેતરે- ખેતરે હરિયાળી લહેરાઈ તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે તેમ જણાવી તેમને કહ્યું કે, રાજ્ય સરકારના દૂરદર્શી અભિગમને કારણે છેલ્લાં બે દાયકાથી ગુજરાતનો કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં રહ્યો છે. ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ ઉપર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટે તે દિશાના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. ડ્રોનના ઉપયોગથી દવા છાંટીને કૃષિ ઉત્પાદન વધે તે માટે તાજેતરમાં ડ્રોન પોલિસી પણ અમલમાં મૂકવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, ગામમાં પણ પાકા રસ્તા, શૌચાલયની સુવિધા, ૨૪ કલાક વીજળી આપીને શહેરો જેવાં બનાવ્યાં છે. રાજ્યમાં સ્માર્ટ સિટી વિકસિત થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે.
જિલ્લાના વિકાસ માટે રૂા. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયો હતો. આ ઉજવણીમાં એન.સી.સી કેડેટ્સ, મહિલા પોલીસ, જિલ્લા પોલીસ તેમજ હોમગાર્ડના જવાનો દ્વારા પરેડ યોજી ત્રિરંગાને સલામી અપાઈ હતી. શાળાના બાળકોએ યોગ નિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. ધ્વજવંદન બાદ મંત્રી સહિતના મહાનુભાવોએ કાર્યક્રમ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું.
પરેડનું નિરીક્ષણ અલંગ મરીન પોલીસના એ.સી. ડામોરે કર્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા, મીનાબેન મકવાણા, જિલ્લા ભાજપ પ્રમુખ મુકેશભાઇ લંગાળિયા, રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જીલોવા, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રવિન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેકટર બી.જે.પટેલ, મહુવા પ્રાંત અધિકારી કુસુમબેન પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક ડી.ડી. ચૌધરી, મામલતદાર એન.એસ. પારિતોષ, સ્વામિનારાયણ ગુરુકુળના સંતો, જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.