મહુવા તાલુકાના કળસાર ગામમાં રહેતા યુવક સાથે એક વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનાર દેવળીયાની યુવતીએ પતિના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા મૃતકના પિતાએ તેના જમાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ તળાજા તાલુકાના દેવળીયા ગામમાં રહેતા હિંમતભાઈ વિઠ્ઠલભાઈ મકવાણાએ મહુવા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,તેમની મોટી દીકરી રવીનાબેન (ઉ.વ.૨૦) એ એક વર્ષ પહેલા મહુવા તાલુકાના કળસાર ગામમાં રહેતા કલ્પેશ વિઠ્ઠલભાઈ ડોડીયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા,પ્રેમલગ્ન કર્યા બાદ તેમની દીકરી પરિવાર સાથે સંપર્કમાં ન હતી.દરમિયાન બે મહિના પહેલા તેમની દીકરીએ તેના નાના ભાઈના મોબાઈલમાં વિડિઓ કોલ કરીને તેનો પતિ કલ્પેશ શારીરિક,માનસિક ત્રાસ આપતો હોય તેડી જવા જણાવેલ. દીકરીનો ફોન આવતા હિંમતભાઈ બીજા દિવસે દીકરીને તેડવા માટે ગયા હતા,પરંતુ કલ્પેશે તેણીને સાથે આવવા ન દેતા તેઓ ખાલી હાથે ઘરે પરત ફર્યા હતા.ત્યાર બાદ ગઈ તા.૧૪/૮ ના રોજ ફરી રવીનાબેનનો ફોન આવ્યા બાદ સાંજે તેમના ભત્રીજાએ ફોન કરી સમાચાર આપ્યા હતા કે,રવીનાબેને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે.આ બનાવ અંગે મહુવા પોલીસે કલ્પેશ ડોડીયા વિરુદ્ધ આઈ.પી.સી.કલમ ૩૦૬,૪૮૯એ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.