બરફની દુર્ગમ ટેકરીઓ વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા કરવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ માટે એક મહત્વપૂર્ણ
સમાચાર સામે આવ્યા છે. વિદેશ મંત્રાલયે વર્ષ 2026 માટે આ પવિત્ર યાત્રાના આયોજનની જાહેરાત
કરી છે. આ યાત્રા ભારત અને ચીન સરકારોના પરસ્પર સહયોગ દ્વારા કરવામાં આવશે. આ વર્ષની યાત્રા
જૂનમાં શરૂ થવાની છે અને ઓગસ્ટ 2026 સુધી ચાલું રહેવાની છે.મંત્રાલયે યાત્રાળુઓની સલામતી અને
આરામને ધ્યાનમાં રાખીને વ્યાપક વ્યવસ્થા કરી છે. આ માટે ચીન સરકાર પાસેથી પણ કેટલોક સહયોગ
લેવામાં આવ્યો છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ વર્ષની યાત્રા માટે કુલ બે રૂટ પસંદ કરવામાં આવ્યા છે.પહેલો
રૂટ ઉત્તરાખંડ રાજ્યમાંથી પસાર થાય છે.યાત્રાળુઓ પ્રખ્યાત લિપુલેખ પાસ પાર કરીને તિબેટના
પ્રદેશમાં પ્રવેશ કરશે.ઉત્તરાખંડ રૂટ માટે કુલ 10 બેચ નક્કી કરવામાં આવી છે. દરેક બેચમાં 50
યાત્રાળુઓ હશે. આ દરમિયાન બીજો રૂટ સિક્કિમ રાજ્યમાંથી પસાર થાય છે. આ રૂટ પર પ્રવાસીઓ
નાથુ લા પાસ થઈને તેમના સ્થાન પર પહોંચશે.સિક્કિમ રૂટ માટે પણ દસ બેચ નક્કી કરવામાં આવી છે.
રૂટ ઉપર પણ પ્રતિ બેચ મહત્તમ 50 મુસાફરોને પરવાનગી આપવામાં આવશે. બંને રૂટને જોડીને, આ
વર્ષે કુલ 1,000 મુસાફરો ભગવાન શિવના આશીર્વાદ મેળવી શકશે.
વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે, અરજીથી લઈને પસંદગી સુધીની સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે
કોમ્પ્યુટરાઈઝ્ડ છે.મંત્રાલયે જણાવ્યું હતું કે, કૈલાસ માનસરોવર યાત્રા માટેની સમગ્ર પ્રક્રિયા- ઓનલાઈન
અરજીઓ શરૂ થવાથી લઈને યાત્રાળુઓની અંતિમ પસંદગી સુધી સંપૂર્ણપણે કોમ્પ્યુટરાઈઝ્ડ છે.રસ
ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે. અરજદારોને માહિતી
મેળવવા માટે કોઈપણ પત્રો કે ફેક્સ ન મોકલવાની સલાહ આપી છે.વેબસાઇટ પર ઉપલબ્ધ પ્રતિસાદ
વિકલ્પનો ઉપયોગ માહિતી મેળવવા, મંતવ્યો શેર કરવા અથવા યાત્રાને સુધારવા માટે સૂચનો આપવા
માટે થઈ શકે છે.
યાત્રાળુઓ પાસે તેમની પસંદગી અનુસાર અથવા બંનેમાંથી કોઈ એક માર્ગ પસંદ કરવાનો વિકલ્પ હશે.
વિદેશ મંત્રાલયે નોંધણી માટે સમયમર્યાદા પણ નક્કી કરી છે.મંત્રાલય અનુસાર, નોંધણી માટેની છેલ્લી
તારીખ 19 મે 2026 છે. આ સમયમર્યાદામાં પ્રાપ્ત થયેલી અરજીઓ પર જ કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રક્રિયા દ્વારા
વિચારણા કરવામાં આવશે. આ પહેલા પ્રવાસીઓનું ફીટનેસ ચેક કરવામાં આવશે. આ માટે એક ફીટનેસ
સર્ટિફિકેટ પણ અનિવાર્ય છે.

